ખેતીનો ખર્ચ પરવડતો ન હોવાથી ૬૫ વર્ષની ઉંમરે બળદને બદલે પોતે જોતરાય છે આ વડીલ

02 July, 2025 08:10 AM IST  |  Latur | Gujarati Mid-day Correspondent

બીજી બાજુ ખેતીનો ખર્ચ પરવડતો ન હોવાથી મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનું એક વૃદ્ધ દંપતી જાતે ખેતી કરે છે. ૬૫ વર્ષના અંબાદાસ પવાર બળદને બદલે પોતે જોતરાઈને હળ ખેંચે છે અને તેમનાં પત્ની તેમને સાથ આપે છે. 

પ્રતીકાત્મક તસવીર

એક બાજુ ટ્રૅક્ટર અને આધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ખેડૂતો વધુ ને વધુ પાક લેતા થયા છે ત્યારે બીજી બાજુ ખેતીનો ખર્ચ પરવડતો ન હોવાથી મહારાષ્ટ્રના લાતુર જિલ્લાનું એક વૃદ્ધ દંપતી જાતે ખેતી કરે છે. ૬૫ વર્ષના અંબાદાસ પવાર બળદને બદલે પોતે જોતરાઈને હળ ખેંચે છે અને તેમનાં પત્ની તેમને સાથ આપે છે. 

લાતુર ​જિલ્લાના અહમદપુર તાલુકાના હાડોળતી ગામમાં રહેતા અંબાદાસ પવાર પાસે પાંચ એકર ખેતી છે અને એ પણ અડધા-અડધા ભાગમાં. તેમના ભાગમાં અઢી એકર આવે છે. ખેતરમાં પાણી નથી. વરસાદનું જે પાણી આવે એના આધારે જ ખેતી કરવી પડે છે. તે અને તેમનાં પત્ની બન્ને ખેતરનું બધું જ કામ જાતે કરે છે. તેમને બળદ પણ પરવડતા નથી અને ટ્રૅક્ટર પણ પરવડતું નથી. તેમનું કહેવું છે કે ‘ખેતીની દરેક બાબત મોંઘી થઈ ગઈ છે. બિયારણ અને ખાતર પણ મોંઘાં થઈ ગયાં છે. એક થેલી બિયારણ ૩૦૦૦ રૂપિયાનું આવે છે. ખાતરનું બાચકું ૧૨૦૦ રૂપિયાનું આવે છે. જો આટલું બધું મોંઘું ખેતરમાં નાખીએ તો પછી પાછળ બચશે શું? ખેતીનો ખર્ચ એટલો વધી ગયો છે કે મારે જાતે બળદ બનવું પડે છે. મારા પર ૪૦,૦૦૦ રૂપિયાનું કર્જ છે. વ્યાજ અને મુદ્દલ બન્ને ભરું છું. કોઈ કર્જમાફી મળતી નથી. ફરી પાછું કર્જ લઉં અને એમાંથી ખાઈએ, ઘરનું ગુજરાન ચલાવીએ. કોઈ સરકારી યોજનાનો લાભ પણ મળતો નથી.’

અંબાદાસનાં પત્નીએ કહ્યું હતું કે ‘મારે એક દીકરી અને એક દીકરો છે. દીકરીનાં લગ્ન થઈ ગયાં છે. દીકરો નાનું-મોટું કામ કરે છે. વહુ અને છોકરાઓ મારી સાથે જ રહે છે. ખેતીમાં જ ૨૦,૦૦૦ રૂપિયાનું રોકાણ થઈ જાય છે. સામે ૩૦,૦૦૦ રૂપિયાનો પાક લેવાય છે. હવે હાથેથી જ બધું કરીએ તો ઉત્પાદન પણ ઓછું જ આવે. જેમતેમ ગાડું ગબડાવીએ છીએ. અમને સરકાર તરફથી ન તો બિયારણ મળે છે કે ન તો ખાતર મળે છે. આઠ વર્ષથી અમે આ રીતે ખેતી કરીએ છીએ. જેટલી છે એટલી ખેતી તો કરવી જ પડશે. બે પૌત્ર છે. દીકરો ભણેલો છે, પણ તેને કોઈ સરકારી નોકરી નથી. તે નાનું-મોટું કામ કરે છે, પણ એટલી આવક નથી. ​હવે પૌત્રોને પણ ભણાવવા પડશે, નહીં તો તેમણે પણ આવી જ રીતે જિંદગી ગુજારવી પડશે. એથી અમારે આ રીતે તો આ રીતે ખેતી કરવી જ રહી.

latur maharashtra maharashtra news news mumbai technology news mumbai news