06 July, 2025 08:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે પંઢરપુરમાં દેવેન્દ્ર ફડણવીસ.
પંઢરપુરમાં ગઈ કાલે અષાઢી એકાદશી નિમિત્તે વારકરી સાથે વિઠ્ઠોબાનાં દર્શન કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસને જ્યારે પત્રકારોએ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેના વિજય મેળાવડાની જાહેર સભા બાબતે સવાલ કર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે ‘પહેલાં તો હું રાજ ઠાકરેનો આભાર માનું છું કે તેમણે મને બન્ને ભાઈઓને એક કરાવવાનું શ્રેય આપ્યું, શ્રદ્ધેય બાળાસાહેબના આશીર્વાદ મને જ મળી રહ્યા હશે. મને એમ કહેવામાં આવ્યું હતું કે વિજય મેળાવડો થવાનો છે, પણ ત્યાં રુદાલીનું ભાષણ થયું અને મરાઠી વિશે એક પણ શબ્દ ન બોલતાં અમારી સરકાર ગઈ, અમારી સરકાર પાડવામાં આવી, અમને સરકારમાં લ્યો, અમને જ ચૂંટી કાઢો એવી બધી વાતો થઈ. આમ આ મરાઠીનો વિજય ઉત્સવ નહોતો, પણ આ રુદાલી હતી. આપણે એ રુદાલીનાં દર્શન ત્યાં કર્યાં. મૂળમાં તેમને એમ પણ છે કે પચીસ વર્ષ સુધરાઈ તેમની પાસે હોવા છતાં તેમણે દેખાડી શકાય એવું કાંઈ જ કામ કર્યું નહીં, જ્યારે મોદીજીના વડપણ હેઠળ અમે મુંબઈનો ચહેરો બદલાવ્યો. તેમના કાર્યકાળમાં મરાઠી માણૂસ મુંબઈમાંથી હદપાર થયો. અમે બીબીડી ચાલના મરાઠી માણસને, પત્રાચાલના મરાઠી માણસને, અભ્યુદય નગરના મરાઠી માણસને તેમના હક્કનું મોટું ઘર એ જ જગ્યાએ આપ્યું એની તેમને ઈર્ષા છે. હું હંમેશાં કહેતો હોઉં છું કે ‘પબ્લિક હૈ યે સબ જાનતી હૈ,’ એથી મુંબઈનો મરાઠી હોય કે અમરાઠી હોય, બધા જ અમારી સાથે છે. અમે મરાઠી છીએ, અમને મરાઠી હોવાનું અભિમાન છે, મરાઠી ભાષાનું અભિમાન છે, પણ એ જ સમયે અમે હિન્દુ છીએ.’