01 July, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં શાસક પક્ષે પહેલાં વિધાનભવનમાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને વંદન કર્યાં હતાં. તસવીર : સૈયદ સમીર અબેદી
રાજ્યમાં પહેલા ધોરણથી થ્રી-લૅન્ગ્વેજ પૉલિસી લાગુ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને વખોડીને એની સામે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને રાજ ઠાકરે એમ બન્નેના સમર્થકોની સામેલગીરી સાથેનો મોરચો પાંચ જુલાઈએ આયોજિત કરાયો હતો. જોકે રવિવારે સરકારે થ્રી-લૅન્ગ્વેજ પોલિસીનું જાહેરનામું રદ કરીને આ બાબતનો અભ્યાસ કરવા નવી સમિતિ નીમી હતી. હવે આ સંદર્ભે સંજય રાઉતે દેવેન્દ્ર ફડણવીસને ઉદ્દેશીને કહ્યું હતું કે જો બે ભાઈઓ એક થતા હોય તો તમને શું કામ પેટમાં દુખે છે? એનો જવાબ આપતાં ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘ઠાકરે ભાઈઓએ એકસાથે ન આવવું એવું ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) તો મેં કાઢ્યું નથી. બન્ને ભાઈઓને એક થતાં મેં રોક્યા છે કે? તેઓ એક થાય, ક્રિકેટ રમે, ટેનિસ રમે, જમે; જે કરવું હોય એ કરે; અમને કશો ફરક પડતો નથી. રાજ્યમાં ત્રીજી ભાષાને સામેલ કરવી કે નહીં એ માટે અમે એક સમિતિ નીમી છે. એ સમિતિ હવે નક્કી કરશે. અમે કોઈ પણ પક્ષનું હિત નહીં જોઈએ. અમે મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓનું હિત જોઈશું, કોઈના પણ દબાણ સામે નહીં ઝૂકીએ.’
રાજ્યની સ્કૂલોમાં પહેલા ધોરણથી થ્રી-લૅન્ગ્વેજ પૉલિસીનો અમલ કરવાના સંદર્ભે કાઢવામાં આવેલો GR ગઈ કાલે મૉન્સૂન અધિવેશન શરૂ થાય એ પહેલાં જ રવિવારે રદ કરાયાની જાહેરાત ખુદ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. તેમના આ નિર્ણયને લીધે ઠાકરે બંધુઓ હિન્દી વિરોધમાં પાંચ જુલાઈએ ગિરગામ ચોપાટીથી મોરચો કાઢવાના હતા એ રદ રહ્યો હતો. સંજય રાઉતે આ બાબતે કમેન્ટ કરતાં કહ્યું હતું કે જો બે ભાઈઓ એક થતા હોય તો તમને શું પેટમાં દુખે છે?