મુંબઈ ક્રિકેટ અસોસિએશનની પાંચ પ્રીમિયમ ફૅસિલિટી FDAનાં ધોરણો પર ખરી ન ઊતરી

25 August, 2026 07:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શિવાજી પાર્કની કૅફે કૅડેલ અને મુલુંડની ચાઇના ટાઉન સામે પણ FDAની આકરી કાર્યવાહી

સંકલ્પ મહિલા ઔદ્યોગિક સંસ્થાની કૅન્ટીનમાં મળેલી ગંદકી.મુલુંડના ચાઇના ટાઉન ફાસ્ટ ફૂડ સેન્ટરમાં મળેલી ગંદકી.

ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ગ્રાહકોના આરોગ્ય સાથે થતાં ચેડાં અને ખાદ્ય સુરક્ષાના ગંભીર ઉલ્લંઘનો સામે ચાલી રહેલી કાર્યવાહી દરમ્યાન બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) ખાતે આવેલા પ્રતિષ્ઠિત મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ના પરમિટ રૂમ, પૅવિલિયન, મેડિટેરેનિયન, ઓરિયેન્ટલ સ્વિંગ અને ક્લબવે સહિતનાં પાંચ કેન્દ્રો તેમ જ માહિમ, કુર્લા અને મુલુંડની જાણીતી રેસ્ટોરાં અને કૅન્ટીન સામે સ્વચ્છતા અને આરોગ્યના નિયમોના સરેઆમ ભંગ બદલ લાઇસન્સ સસ્પેન્ડ કરવાની આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નવી મુંબઈમાં પણ દૂધ અને દૂધની બનાવટોમાં થતી ભેળસેળ સામે ઝુંબેશ ચલાવીને હજારો લીટર અપ્રમાણસર દૂધ અને ક્રીમનો જથ્થો જપ્ત કરી નષ્ટ કરવામાં આવ્યો છે.

(૧) BKCમાં આવેલી મુંબઈ ક્રિકેટ અસોસિએશનની પાંચ ફૅસિલિટીઝ

શું ગંદકી અને ખામીઓ મળી : રેફ્રિજરેટરના દરવાજાનું અસ્વચ્છ ફિટિંગ્સ, રસોડાના પ્રવેશદ્વાર પર ચીકણું અને ગંદું ફ્લોરિંગ, કાળી પડેલી અને અસ્વચ્છ કટલરી-સાધનો, છતનું પ્લાસ્ટર ઊખડી જવું, પૅકેજિંગ મટીરિયલના ફૂડ ગ્રેડ સર્ટિફિકેટનો અભાવ અને કેટલોક કૃષિ કાચો માલ ખરાબ અવસ્થામાં મળ્યો હતો. ઉપરાંત બિનઅધિકૃત એજન્સી દ્વારા રસોડું ચલાવવામાં આવતું હોવાનું પણ ખૂલ્યું હતું.

(૨) સંકલ્પ મહિલા ઔદ્યોગિક ઉત્પાદક સહકારી સોસાયટી લિમિટેડ (કુર્લા)

શું ગંદકી અને ખામીઓ મળી : મિડ-ડે મીલ પૂરું પાડતી આ કૅન્ટીનના રસોડામાં ગંદકી, કચરો અને અનહાઇજીનિક પરિસ્થિતિ જોવા મળી હતી. દીવાલો પર ડાઘ, ભીંજાયેલું તૂટેલું ફ્લોરિંગ, વાસણો અને સ્ટૉરેજ રેક ગંદાં તથા અસ્વચ્છ હતાં. પીવાના પાણીના ટેસ્ટિંગ રેકૉર્ડ પણ ગાયબ હતા. તપાસ દરમ્યાન ૧૧૨માંથી માત્ર ૫૩ ગુણ મળતાં અને નૉન-કૉમ્પ્લાયન્સ નોંધાતાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું.

(૩) લેનેક્સિસ ફૂડવર્ક્સ (માહિમ)

શું ગંદકી અને ખામીઓ મળી : અપર્યાપ્ત વેન્ટિલેશન, એક્ઝૉસ્ટ અને કિચનહુડ પર તેલ-ચરબીના થર, જમીન પર સાચવેલું ગંદું પાણી, કડાઈ ઉપર પાણી પડતું, પ્લાસ્ટિક તથા ધાતુના કન્ટેનર પર સ્ક્રૅચ અને ગંદકી તથા કર્મચારીઓ માટે અપૂરતી પર્સનલ હાઇજીન ફૅસિલિટી મળી આવી. ક્રૉસ-કન્ટેમિનેશન અને બૅક્ટેરિયલ ઇન્ફેક્શનનું ઊંચું જોખમ હોવાથી FSSAI લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યું.

(૪) કૅફે કૅડેલ (શિવાજી પાર્ક, માહિમ)

શું ગંદકી અને ખામીઓ મળી : વેન્ટિલેશનનો અભાવ, શાકાહારી અને માંસાહારી ખોરાકનું મિક્સિંગ (સૅગ્રિગેશન ન હોવું), જીવાતો સામે પ્રોટેક્શન જાળીનો અભાવ, અસ્વચ્છ કટલરી, પાણીની ગુણવત્તાના રિપોર્ટનો અભાવ અને સ્ટાફની અસ્વચ્છતા તથા નખ-કપડાં ગંદાં હોવાનું સામે આવ્યું. ગ્રાહકોને પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાના માનકોનું ગંભીર ઉલ્લંઘન થતાં કાનૂની જોગવાઈ હેઠળ લાઇસન્સ સસ્પેન્ડ કરાયું.

(૫) ચાઇના ટાઉન ફાસ્ટ ફૂડ સેન્ટર (મુલુંડ)

શું ગંદકી અને ખામીઓ મળી : કૃત્રિમ રંગો અને મોનોસોડિયમ ગ્લુટામેટનો અનિયંત્રિત વપરાશ, કાળું પડી ગયેલું વપરાયેલું તેલ, રસોડામાં જીવંત વાંદા, દાદરા નીચે ગંદી, ભેજવાળી જગ્યાએ ઉઘાડો રાંધેલો ભાત અને અત્યંત ગંજાયેલી છરીઓ તથા વાસણો મળ્યાં હતાં. નાગરિકોના આરોગ્ય સામે સીધું અને ગંભીર જોખમ ઊભું કરવા બદલ ફૂડ રજિસ્ટ્રેશન તાત્કાલિક લાઇસન્સ સસ્પેન્ડ કરાયું.

(૬) નારાયણ ડેરી અને ફત્તેસિંગરાવ નાઈક સહકારી દૂધ સંઘ (નવી2 મુંબઈ)

શું ગંદકી અને ખામીઓ મળી : રબાળે TTC વિસ્તારમાં નારાયણ ડેરીમાંથી ૧,૨૪,૦૩૨ રૂપિયાની કિંમતનો ૩૬૪૮ લીટર સ્ટાન્ડર્ડાઇઝ્ડ સ્કીમ્ડ દૂધનો જથ્થો શંકાસ્પદ મળ્યો હતો. જ્યારે ફત્તેસિંગરાવ ડેરીમાંથી ૮૮ કિલોગ્રામ ક્રીમનો જથ્થો પણ સબ-સ્ટાન્ડર્ડ મળી આવ્યો. ફૂડ-સેફ્ટીના નિયમભંગ બદલ ૩૬૪૮ લીટર દૂધ સ્થળ પર જ નષ્ટ કરાયું અને કાનૂની કેસ દાખલ કરાયો છે.

mumbai news mumbai maharashtra government maharashtra news maharashtra food and drug administration mumbai cricket association