06 March, 2025 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સામાજિક-સાંસ્કૃતિક સંસ્થા યુથ સોશ્યલ વેલ્ફેર અસોસિએશન (યુથ ફોરમ) દ્વારા આવતી કાલે શુક્રવારે સાતમી માર્ચે ભાઈંદરમાં નિઃશુલ્ક ચિકિત્સા કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે નવથી બપોરે એક વાગ્યા દરમ્યાન ભાઈંદર-વેસ્ટમાં મહારાણા પ્રતાપ રોડ સામે આવેલા સંગીતા કૉમ્પ્લેક્સમાં યોજાનારા આ કૅમ્પમાં આંખોની તપાસ કરવામાં આવશે અને ડૉક્ટરોની સલાહથી જરૂરિયાતમંદોને મોતિયાનું વિનામૂલ્ય ઑપરેશન કરવામાં આવશે. ઉપરાંત ડાયાબિટીઝ ટેસ્ટ, ડેન્ટલ, બ્લડ-પ્રેશર તપાસ કસ્તુરી હૉસ્પિટલ અને ખુશી ડેન્ટલ કૅર તરફથી કરવામાં આવશે. કૅમ્પમાં ભક્તિવેદાંત હૉસ્પિટલ દ્વારા વિનામૂલ્યે મોતિયાનું ઑપરેશન કરવામાં આવશે. વધુ માહિતી માટે 90042 42210 / 70216 80554 નંબર પર સંપર્ક કરવો.
કાંદિવલીમાં આજથી ભૂપેન્દ્ર પંડ્યાની ભાગવત કથા
સત્કર્મ પરિવારના તત્ત્વાધાનમાં ભાગ્યોદય ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા વંચિત બાળકોનાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને જીવન ઉત્થાનના ઉમદા ઉદ્દેશ માટે સત્કર્મ તીર્થ, દાદાજી કોંડદેવ ગ્રાઉન્ડ, વિષ્ણુ શિવમની સામે, ઠાકુર વિલેજ, કાંદિવલી (ઈસ્ટ)માં આજથી ભાગવતાચાર્ય ભૂપેન્દ્ર પંડ્યાની અમૃતવાણીમાં સામૂહિક શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાની પોથી તેમ જ કળશની મંગળયાત્રા આજે બપોરે ૧ વાગ્યે ગાયત્રી મંદિર, સિદ્ધાર્થ નગરથી નીકળી કથા સ્થળ પર પહોંચશે. બપોરે ૩ વાગ્યે દીપ પ્રાગટ્ય, કથા પ્રારંભ અને માહાત્મ્ય દર્શન થશે. શુક્રવારે શ્રીમદ ભાગવત કથા અને શ્રી શુકદેવજીના આગમનની કથાનું વર્ણન થશે. શનિવારે શ્રી નૃસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા વર્ણવાશે અને રવિવારે શ્રી રામજન્મ, શ્રી કૃષ્ણજન્મ અને નંદ મહોત્સવ ઊજવાશે. સોમવારે શ્રીકૃષ્ણ બાળલીલા, શ્રી ગિરિરાજ ઉત્સવ અને છપ્પન ભોગ ઊજવાશે. મંગળવારે રાસલીલા અને શ્રીકૃષ્ણ રુક્મિણી વિવાહ સંપન્ન થશે. બુધવાર, ૧૨ માર્ચે સુદામા ચરિત્ર અને શ્રી યજ્ઞથી કથાને વિરામ આપવામાં આવશે.