06 September, 2025 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગિરગામ ચોપાટી પર ૬ ફુટથી નાની મૂર્તિઓ માટે કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યાં છે
વાજતે-ગાજતે પધારેલા વિઘ્નહર્તાની મૂર્તિઓનું આજે રંગેચંગે વિસર્જન કરવામાં આવશે. નાશિક ઢોલ, ગુલાલની છોળો અને આંખના ભીના ખૂણા સાથે ‘પુઢચ્યા વર્ષી લવકર યા’ની આજીજી સાથે લાખો ભક્તો ભારે હૈયે બાપ્પાને વિદાય આપશે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અંદાજ મુજબ આજે લગભગ સાર્વજનિક મંડળોના ગણપતિની સાતેક હજાર મૂર્તિઓ અને ઘરે પધારેલા ગણપતિની ૧.૭૫ લાખ જેટલી મૂર્તિઓનું વિસર્જન થશે.
૨૯૦ કૃત્રિમ જળાશયો અને ૭૦ કુદરતી જળાશયોમાં મૂર્તિઓના વિસર્જનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધાં જ સ્થળે ૨૧૭૮ લાઇફ-ગાર્ડ હાજર રહેશે. ૧૧૫ ઍમ્બ્યુલન્સ પણ સેવામાં મૂકવામાં આવી છે.
બૉમ્બે હાઈ કોર્ટના આદેશ મુજબ ૬ ફુટથી નાની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવોમાં કરવાનું રહેશે. BMCના એક અધિકારીએ કહ્યું હતું કે ‘બાંદરા, દાદર, ગિરગામના બીચ પર જ કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યાં છે. એટલે જો કોઈ ૬ ફુટથી નાની મૂર્તિ દરિયામાં પધરાવવા માટે લાવશે તો તેણે આ કૃત્રિમ જળાશયોમાં જ મૂર્તિનું વિસર્જન કરવું પડશે.’
હાઈ કોર્ટે પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓને ૨૪ કલાકમાં જળાશયોમાંથી બહાર કાઢીને વૈજ્ઞાનિક રીતે નિકાલ અથવા રીસાઇકલ કરવાનો આદેશ આપ્યો છે. તેથી રવિવાર સુધીમાં બધાં જ જળાશયોમાંથી મૂર્તિઓ બહાર કાઢવાનું કામ કરવામાં આવશે.
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટનું ટર્મિનલ ટૂ ગઈ કાલે ગણેશમય થઈ ગયું હતું. આ ટર્મિનલ પર ગઈ કાલે ભવ્ય ગણપતિ પાલખી કાઢવામાં આવી હતી જેમાં ઢોલતાશાના નાદે પરંપરાગત પોશાકોમાં સજ્જ સ્ત્રીઓ-પુરુષો ફૂદડી ફર્યાં હતાં.