07 July, 2025 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગોવંડીમાં રહેતા ૧૬ વર્ષના કિશોરની તેના ૧૯ વર્ષના પાર્ટનરે પેસ્ટિસાઇડ આપીને હત્યા કરી છે. તે વારંવાર તેની પાસેથી પૈસા પડાવતો હતો અને બીજા મિત્રો સાથે વધુ સારા સંબંધો રાખતો હોવાથી આરોપીએ કાવતરું રચીને તેના પાર્ટનરને પતાવી દીધો હતો. ૨૯ જૂને રાતે શાહીન શેખ નામનો કિશોર ઘરેથી વૉક કરવા જાય છે એમ કહીને નીકળ્યો હતો. તે પાછો ન ફરતાં તેના પપ્પાએ પોલીસને ફરિયાદ કરી હતી. બીજા દિવસે શાહીન મૃત અવસ્થામાં ઝીશાન શેખના ઘરેથી મળ્યો હતો. ત્યાં તે બન્નેએ એનર્જી ડ્રિન્ક પીધા પછી બીમાર પડ્યા હોવાનું કહીને ઝીશાને આ કેસને આકસ્મિક મૃત્યુ હોવાનું જણાવ્યું હતું, પરંતુ પોસ્ટમૉર્ટમના રિપોર્ટમાં શાહીનનું મૃત્યુ પેસ્ટિસાઇડના સેવનને કારણે થયું હોવાનું જણાતાં આખો મામલો સામે આવ્યો હતો. આરોપી ઝીશાને પોલીસ સમક્ષ કબૂલ્યું હતું કે ૪ મહિના અગાઉ બન્ને યુવકો ઘરે જણાવ્યા વગર નાગપુર ગયા હતા. ત્યાર બાદ શાહીનના પરિવારે તેને ઝીશાનથી દૂર રહેવાનું કહ્યું હતું. ત્યાર બાદ શાહીન બીજા મિત્રોને વધુ મળતો હોવાથી ઝીશાને આ કાવતરું રચ્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.