17 July, 2025 07:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે આઝાદ મેદાનમાં વિરોધ-પ્રદર્શન કરતા હોમિયોપથીના ડૉક્ટરો. તસવીર : અતુલ કાંબળે
એક વર્ષના કોર્સ પછી મૉડર્ન મેડિસિનની પ્રૅક્ટિસ કરવા દેવાના નિર્ણય પર સરકારે સ્ટે મૂકી દીધો એનો વિરોધ, રાજ્યભરના હોમિયોપૅથ ભેગા થયા આઝાદ મેદાનમાં : ઇન્ડિયન મેડિકલ અસોસિએશનનું કહેવું છે કે હોમિયોપથીના ડૉક્ટરોને અમારા જેવું કામ કરવા દેવાય તો એ દરદીઓ માટે જોખમી છે
મહારાષ્ટ્રભરના હોમિયોપથી ડૉક્ટરોએ બેમુદત ભૂખહડતાળ શરૂ કરી છે. હોમિયોપથીના ડૉક્ટરો એક વર્ષનો સર્ટિફિકેશન કોર્સ કરીને મૉડર્ન મેડિસિનની પ્રૅક્ટિસ કરી શકે છે એ નિર્ણય પર મહારાષ્ટ્ર મેડિકલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે તાજેતરમાં સ્ટે મૂક્યો એનો વિરોધ કરવા હોમિયોપથીના ડૉક્ટરો અનશન પર બેઠા છે.
રાજ્યભરના પાંચસોથી વધુ હોમિયોપથી ડૉક્ટરો ગઈ કાલે આઝાદ મેદાનમાં ભેગા થયા હતા. તેઓ વિવિધ સૂત્રો લખેલાં પ્લૅકાર્ડ્સ લઈને આવ્યા હતા.
આ વિરોધ-પ્રદર્શનનું નેતૃત્વ કરતા મહારાષ્ટ્ર કાઉન્સિલ ઑફ હોમિયોપથી (MCH)ના ઍડ્મિનિસ્ટ્રેટર ડૉ. બાહુબલી શાહે કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર પોતાનો સ્ટે-ઑર્ડર પાછો નહીં ખેંચે ત્યાં સુધી હું ફક્ત પાણી પીશ, અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી કંઈ ખાઈશ નહીં.
MBBS ડૉક્ટરોની શૉર્ટેજને કારણે સરકારે અગાઉ એક વર્ષના કોર્સ પછી હોમિયોપથી ડૉક્ટરોને મૉડર્ન મેડિસિનને લગતી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાની છૂટ આપી હતી. જોકે ઇન્ડિયન મેડિકલ અસોસિએશને આ નિર્ણયનો જોરદાર વિરોધ કરીને કહ્યું હતું કે આનાથી દરદીઓની સલામતી જોખમમાં મુકાશે.
એક વર્ષનો કોર્સ કરનારા હોમિયોપથી ડૉક્ટરોનું કહેવું છે કે અમે સાડાપાંચ વર્ષ ભણ્યા પછી આ વધારાનો કોર્સ પણ કર્યો છે એ છતાં અમારી સાથે સેકન્ડ-ક્લાસ સિટિઝન તરીકે વર્તન કરવામાં આવે છે, અમારી પાસે જરૂરી એજ્યુકેશન છે, અમારી પાસે MBBSની ડિગ્રી નથી એનો મતલબ એ નથી કે અમે કોઈને મારી નાખીશું.