15 February, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સેન્ટ્રલ રેલવે
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT)થી કર્જત, કસારા, પનવેલ અને ખોપોલી સુધીની સેન્ટ્રલ રેલવે અને ચર્ચગેટથી દહાણુ સુધીની વેસ્ટર્ન રેલવેના લોકલ ટ્રેનના નેટવર્કનાં ઑપરેશન્સ અને મેઇન્ટેનન્સ કરવા પાછળ આવક સામે વાર્ષિક ૩૦૦૦ કરોડનું નુકસાન થાય છે. એથી એ નુકસાન કઈ રીતે ઓછું થઈ શકે, ભવિષ્યમાં મુંબઈની બધી જ લોકલ ટ્રેન ઍર-કન્ડિશન્ડ (AC) કરવાની છે તો એનું ભાડું કેટલું રાખી શકાય એ અને આવાં બીજાં અનેક આર્થિક પાસાંઓની સમીક્ષા કરવા હવે મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (MRVC)એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)–બૉમ્બેની મદદ લીધી છે. આ કન્સલ્ટન્સી માટે રેલવે IIT-બૉમ્બેને પાંચ કરોડ રૂપિયા ચૂકવવાની છે.
ધીમે-ધીમે તબક્કાવાર બધી જ લોકલ ટ્રેનો AC કરવાની હોવાથી એની ખરીદી, ટ્રેન ચલાવવાની ઑપરેશનલ કૉસ્ટ, એની સામે પ્રવાસીઓનાં ભાડાંની આવકની ગણતરી કરી એના આધારે ફાઇનૅન્શ્યલ મૉડલ તૈયાર કરવામાં આવશે.
સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની વાર્ષિક ખોટ ઓછી કરી એની કાર્યક્ષમતામાં ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે કઈ રીતે વધારો થઈ શકે એની ભલામણ માટે પણ આ અભ્યાસ મહત્ત્વનો થશે.
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં લોકલ ટ્રેન, મેટ્રો, બસ અને અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે એક જ
ટિકિટ-સિસ્ટમ કઈ રીતે લાગુ કરી શકાય તથા એ કેટલું પ્રૅક્ટિકલ બની શકે એનો પણ અભ્યાસ કરવામાં આવશે. IIT-બૉમ્બે દ્વારા થનારા આ સર્વેમાં MRVC, સેન્ટ્રલ રેલવે, વેસ્ટર્ન રેલવે, MMRDA અને પ્રવાસી સંઘોનો સમાવેશ પણ કરવામાં આવશે.
મુંબઈ લોકલનાં આર્થિક પાસાંઓના અભ્યાસની સાથે આ નેટવર્કનો પર્યાવરણ પર શું પ્રભાવ પડશે એનો પણ અભ્યાસ કરવામાં આવશે. જુલાઈ ૨૦૨૭ સુધીમાં IIT-બૉમ્બે એનો અહેવાલ આપે એવી અપેક્ષા છે.