12 May, 2025 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ગંભીરતા જોતાં જો ખરેખર યુદ્ધ થાય તો દેશમાં લોકોએ કેવી કાળજી લેવી? બચવા માટે શું કરવું? કોઈ અન્યને, ઘાયલને કઈ રીતે મદદ કરવી? જેવી બાબતોની જાણકારી મળી રહે એ માટે સરકાર દ્વારા આખા દેશમાં મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. એ મૉક ડ્રિલ વખતે ખબર પડી હતી કે ઘણી સાઇરન ગોઠવી તો હતી પણ મેઇન્ટેનન્સના અભાવે જૂની થઈ જવાથી વાગતી જ નથી. એટલું જ નહીં, એના કર્મચારીઓને ડેઇલી ભથ્થા તરીકે આપવામાં આવતી સાવ મામૂલી રકમને કારણે કર્મચારીઓ અને જરૂરી સાધનોની અછત છે. એથી હવે રાજ્ય સરકારે સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટનું મહત્ત્વ સમજી એની સમસ્યાઓનો ઉકેલ લાવી એને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
ડિરેક્ટરેટ ઑફ સિવિલ ડિફેન્સમાં કર્મચારીઓની તો કમી છે જ સાથે રેસ્કયુ-વૅન અને ઍમ્બ્યુલન્સની પણ અછત છે. સાઇરન સહિત રેસ્ક્યુ કરવાનાં પૂરતાં સાધનો પણ નથી. આમ તો આખા રાજ્યમાં ૪૨૦ કર્મચારીઓનો સ્ટાફ હોવો જોઈએ, પણ એ સામે હાલ માત્ર ૧૩૫ કર્મચારીઓ જ છે.
રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ‘સિવિલ ડિફેન્સનું મહત્ત્વ જોતાં આવતા ઍકૅડેમિક યરથી એન્જિનિયરિંગ કૉલેજોમાં સિવિલ ડિફેન્સનો કોર્સ ઉમેરવામાં આવશે. સિવિલ ડિફેન્સના ડિરેક્ટર પ્રભાત કુમારે આ બાબતે કહ્યું હતું કે ‘ડિરેક્ટરેટ ઑફ સિવિલ ડિફેન્સ અને મુંબઈ યુનિવર્સિટી વચ્ચે હાલમાં જ સિવિલ ડિફેન્સનો કૉર્સ ચાલુ કરવા મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ થયું છે. આ કોર્સ મુંબઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલી દરેક એન્જિનિયરિંગ કૉલેજમાં ભણાવવામાં આવશે અને પચીસ માર્ક્સ એ માટે ફાળવવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ભણતાં-ભણતાં દેશ સેવાનું કામ કરવા માગતા હશે તેમને આ કોર્સને કારણે એની તક મળશે. વિદ્યાર્થીઓને રેસ્ક્યુ ઑપરેશન અને કટોકટીમાં લોકોના જીવ કેવી રીતે બચાવવા એ શિખવાડવામાં આવશે. વળી કટોકટીના સમયે તેઓ સરકારી એજન્સીઓ જેવી કે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ, ફાયર-બ્રિગેડ અને હૉસ્પિટલ સાથે મળી કામ કરી શકશે.’