12 November, 2024 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેઘપાર્શ્વનાથ જૈન શ્વેતાંબર દેરાસર
નાશિક પાસે આવેલા ચાંદવડ નૅશનલ હાઇવે પર બની રહેલા ફ્લાયઓવરના બાંધકામ અને રસ્તાને પહોળો કરવા માટે નૅશનલ હાઇવે ઑથોરિટીએ ૧૦૦થી ૧૨૫ વર્ષ જૂના શ્રી નેમિનાથ જૈન બ્રહ્માચર્યાશ્રમ દ્વારા સંચાલિત મેઘપાર્શ્વનાથ જૈન શ્વેતાંબર દેરાસરને ૧૮ ઑક્ટોબરે ડિમોલિશનની નોટિસ મોકલી છે, જેના પરિણામે મુંબઈ અને મહારાષ્ટ્રના જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. જૈન સમાજે નૅશનલ હાઇવે ઑથોરિટીને એમની નોટિસ પાછી ખેંચવાની વિનંતી કરતાં કહ્યું છે કે જો અમારા દેરાસરની એક પણ ઈંટને આંચ આવશે તો અમે જૈનો રોડ પર ઊતરતાં અચકાઈશું નહીં.
આ બાબતની માહિતી આપતાં શ્રી નેમિનાથ જૈન બ્રહ્માચર્યાશ્રમના ટ્રસ્ટી સુનીલ ચોપડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વર્ષો પહેલાં સાધુભગવંતોને વિહાર સમયે આરામ મળે અને તેઓ ધર્મઆરાધના કરી શકે એ ઉદ્દેશથી દેરાસર અને ઉપાશ્રય બાંધવામાં આવ્યાં હતાં. દસ વર્ષ પહેલાં પિંપળગાંવ-ધુળે હાઇવેને ચાર લાઇનનો કરવામાં આવ્યો હતો. જોકે હમણાં-હમણાં આ હાઇવે પર અકસ્માતો વધી જવાથી હવે પ્રશાસને આ હાઇવેને છ લાઇનનો બનાવવાનો અને ફ્લાયઓવરના બાંધકામનો નિર્ણય લીધો છે. એમના સર્વે પ્રમાણે નૅશનલ હાઇવે ઑથોરિટી કહે છે કે એમના કામમાં મેઘપાર્શ્વનાથ જૈન શ્વેતાંબર દેરાસર અવરોધક બનતું હોવાથી એને ડિમોલિશ કરવું જરૂરી છે. ઑથોરિટી સાથે જૈન સમાજના અગ્રણીઓએ અનેક વાર મીટિંગ કરીને તેમના પ્લાનને દેરાસર બચી શકે એ રીતે બનાવવા માટે વિનંતી કરી છે. આમ છતાં તેઓ ટસના મસ થવા તૈયાર નથી. અમારા વિરોધ પછી પણ તેમણે અમને નોટિસ મોકલીને કહ્યું છે કે ફ્લાયઓવરની બન્ને બાજુએ આવનારા સર્વિસ રોડને તમારા દેરાસરની દીવાલ અને દેરાસર અવરોધક બનતાં હોવાથી તમે દેરાસરને હટાવી લો, નહીંતર તમારા ખર્ચે અમારે દેરાસરને તોડી પાડવું પડશે. આ નોટિસથી જૈન સમાજમાં હલચલ મચી ગઈ છે. આ દેરાસર પ્રાચીન હોવાથી એની સાથે હજારો સાધુભગવંતો અને ભાવિકોની શ્રદ્ધા જોડાયેલી છે. આ સંજોગોમાં પ્રશાસન પોતાની જીદ પર જ રહેશે તો જૈન સમાજ પાસે જનઆંદોલન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમે દેશભરના જૈન સાધુસંતો અને સંઘોને આ દેરાસરને બચાવવા માટે સરકાર અને પ્રશાસન સાથે શાંતિથી વાટાઘાટ કરીને આ મામલામાં દખલ કરવાની વિનંતી કરી છે.’