ગુલાલની છોળો ઉડાડતાં વાજતે-ગાજતે વિજયી મેળાવડામાં સામેલ થવા આવો અમે રાહ જોઈએ છીએ

03 July, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઠાકરે બ્રધર્સનું મરાઠી જનતાને એક જ પત્ર દ્વારા જાહેર આમંત્રણ

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે

પહેલા ધોરણથી જ થ્રી-લૅન્ગ્વેજ પૉલિસી દાખલ કરવાના રાજ્ય સરકારના નિર્ણયનો ચોમેરથી જોરદાર વિરોધ થતાં આખરે સરકારે એ નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. આ બાબતને મરાઠી જનતાની જીત ગણાવીને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે–UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ સાથે મળીને વિજય મેળાવડાનું આયોજન કર્યું છે. એમાં બન્ને ઠાકરે બંધુઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર એકસાથે હાજર રહેવાના છે. પાંચમી જુલાઈએ વરલીમાં નૅશનલ સ્પોર્ટ્‍સ કૉમ્પ્લેક્સ ઑફ ઇન્ડિયાના ડોમ ખાતે સવારના ૧૦ વાગ્યે આ મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ પણ પક્ષના નેજા હેઠળ નહીં પણ માત્ર ને માત્ર મરાઠી જનતાની જીત માટે આ વિજય મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ માટે બહાર પાડવામાં આવેલા આમંત્રણ પર પણ આ બન્ને ભાઈઓનાં નામ લખવામાં આવ્યાં છે.

બન્ને ભાઈઓ તરફથી જાહેર કરાયેલું આમંત્રણ

આવાઝ મરાઠીચા મરાઠી માતાઓ, બહેનો, અને ભાઈઓ,સરકારને નમાવી કે? તો હા, નમાવીકોઈએ નમાવી હશે તો એ તમે છો, મરાઠીજનોએ નમાવી.અમે ફક્ત તમારા વતી સંઘર્ષ કરતા હતા. એથી આ આનંદની ઉજવણી કરતી વખતે પણ અમે ફક્ત મેળાવડાના આયોજક છીએ, બાકી જલ્લોષ તમારે કરવાનો છે. વાજતે-ગાજતે, જલ્લોષમાં ગુલાલ ઉડાડતા આવો.અમે વાટ જોઈએ છીએ.

- આપના નમ્ર

યુતિ અને ચૂંટણીઓ તો થતી રહેશે, પણ એક વાર જો મરાઠી ખતમ થઈ ગઈ તો બધું ખતમ થઈ જશે : રાજ ઠાકરે

થ્રી-લૅન્ગ્વેજ પૉલિસીના કારણે હાલ ભાષાનો મુદ્દો બધે ચર્ચાઈ રહ્યો છે ત્યારે રાજ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘આ મુદ્દાને કોઈ રાજકારણનું નામ ન આપતા. યુતિ અને ચૂંટણીઓ તો થતી રહેશે, પણ એક વાર મરાઠી ભાષા ખતમ થઈ જશે તો બધું જ ખતમ થઈ જશે. આને એક ચૅલેન્જ તરીકે જોવું પડશે. જે કોઈ પણ મરાઠી ભાષાના મુદ્દે તડજોડ કરતું જણાશે તો હું એની વિરોધમાં ઊભો રહીશ, પછી ભલે એ ઉદ્ધવ ઠાકરેની સરકારનો જ માણસ કેમ ન હોય. હું તેમની વિરોધમાં ઊભો રહીશ. હું મરાઠી સાથે સમજૂતી કરનાર કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરીશ. હિન્દી વ્યાપકરૂપે બોલાય છે, પણ એ અન્ય રાજ્યો પર થોપી શકાય એવી રાષ્ટ્રીય ભાષા નથી, એને પ્રાચીન મરાઠી ભાષાની ઉપર રાખવાના પ્રયાસને સાંખી નહીં લેવાય. લોકો ૧૫૦- ૨૦૦ વર્ષ જૂની હિન્દી ભાષાને એ મરાઠી ભાષા કરતાં વધુ સારી કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે જેનો ઇતિહાસ ૩૦૦૦ વર્ષ જૂનો છે. આ ન ચલાવી શકાય અને હું એમ થવા પણ નહીં દઉં.’

raj thackeray uddhav thackeray shiv sena maharashtra navnirman sena political news Education news maharashtra maharashtra news mumbai mumbai news