ઓમાઇક્રોનના ખતરાને કારણે જમ્બો સેન્ટર ડબલ કરવામાં આવશે

05 December, 2021 10:25 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં મુંબઈમાં પાંચ જમ્બો કોરોના કેન્દ્રો કાર્યરત છે

જમ્બો સેન્ટર

વિશ્વમાં કોરોનાવાઇરસનો નવો વેરિઅન્ટ ઓમાઇક્રોન જે ઝડપી ગતિએ ફેલાઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખતાં સુધરાઈએ આવશ્યક માળખું તૈયાર કરવાની શરૂઆત કરતાં મુંબઈમાં ૧૦ જમ્બો કોરોના કેન્દ્ર સુસજ્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં મુંબઈમાં પાંચ જમ્બો કોરોના કેન્દ્રો કાર્યરત છે. હવે બાકીનાં જમ્બો કોરોના કેન્દ્રો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. તમામ ૧૦ જમ્બો કોરોના કેન્દ્રોમાં મળીને કુલ ૧૩,૪૬૬ બેડ ઉપલબ્ધ થશે. 
છેલ્લાં કેટલાંક અઠવાડિયાંથી મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો હોવાથી મુંબઈગરાએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ અચાનક જ ઓમાઇક્રોન નામના નવા મ્યુટન્ટના ભયે ફરીથી સુધરાઈએ સાવધાની જાળવવાનો નિર્ણય લીધો છે. 
પહેલી ડિસેમ્બર સુધીમાં શહેરમાં ૧૯૦૪ પેશન્ટ હતા, જેમાંથી ૫૦ ટકા કરતાં વધુ પેશન્ટમાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં નથી. આ ઉપરાંત શહેરમાં નવા કેસની ટકાવારી પણ ૦.૦૨ ટકા જેટલી નીચી રહી છે. મુંબઈમાં હાલના તબક્કે મુખ્ય હૉસ્પિટલોમાંનાં કોરોના કેન્દ્રો સહિત ભાયખલા, મુલુંડ, વરલી-એનએસસીઆઇ, દહિસર ચેકનાકા, ગોરેગામ એમ પાંચ જમ્બો કોરોના કેન્દ્ર સક્રિય છે.

mumbai mumbai news Omicron Variant coronavirus covid19