16 April, 2025 07:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલનો ‘મિડ-ડે’નો રિપોર્ટ.
મસ્જિદો પરનાં ગેરકાયદે લાઉડસ્પીકરને લીધે ધ્વનિ-પ્રદૂષણ થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદ મળ્યા બાદ મહારાષ્ટ્ર પોલીસે રાજ્યભરના પોલીસ વિભાગને ઍક્શન લેવા વિશેનો સર્ક્યુલર પાઠવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ પણ લોકોને ગેરકાયદે લાઉડસ્પીકર સામે પોલીસ કાર્યવાહી ન કરે તો તેમને ફોન કરીને જાણ કરવાનું આહવાન કર્યું હતું. ગઈ કાલે ગેરકાયદે લાઉડસ્પીકર સામે પોલીસ દ્વારા કાર્યવાહી ન થતી હોવાની અનેક ફરિયાદો કિરીટ સોમૈયાએ જાહેર કરેલી હેલ્પલાઇન પર મળી હતી. ‘મિડ-ડે’એ ગઈ કાલે પ્રથમ પાનાના રિપોર્ટમાં આ હેલ્પલાઇન નંબર આપ્યો હતો.
નાલાસોપારા-ઈસ્ટમાં આચોલે રોડ પર HDFC બૅન્ક પાસેની મસ્જિદમાં દરરોજ પાંચ વખત લાઉડસ્પીકર વગાડવામાં આવતાં હોવાની ફરિયાદ મળ્યા બાદ કિરીટ સોમૈયાએ આ સંબંધે ગઈ કાલે નાલાસોપારાની આચોલે પોલીસને પત્ર લખીને કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
કિરીટ સોમૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મસ્જિદમાં ગેરકાયદે કે કાયદેસર લાઉડસ્પીકર વગાડવામાં આવે છે એની સામે કાર્યવાહી કરવાની અપીલ વર્ષોથી કરવામાં આવી રહી છે, પણ કોઈ પગલાં લેવાતાં નથી. હવે રાજ્ય સરકાર અને પોલીસે કડક કાર્યવાહી કરવાનો સર્ક્યુલર મોકલ્યો છે એટલે આ લાઉડસ્પીકર બંધ કરાવીને જ રહીશું. ‘મિડ-ડે’માં આ સંબંધી અહેવાલ આવ્યા બાદ અમને એક જ દિવસમાં અનેક ફરિયાદ મળી છે. એમાંથી પહેલો પત્ર મેં નાલાસોપારાની આચોલે પોલીસ સ્ટેશનને લખીને કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ મુદ્દો ખૂબ જૂનો અને ધાર્મિક છે એટલે ફરિયાદ કરવાની હિંમત મોટા ભાગના લોકો કરતા નથી. જોકે હવે ધીમે-ધીમે લોકો આગળ આવશે અને આ દૂષણ કાયમ માટે દૂર થશે.’