મામૂલી ચાવાળાના બૅન્ક-અકાઉન્ટમાં આવેલા ૧૦ કરોડ રૂપિયા ક્યાં ગયા?

25 August, 2022 11:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સંજય રાઉતના પાર્ટનર સુજિત પાટકરે બોગસ કંપની બનાવીને જમ્બો કોવિડ સેન્ટરમાં ૧૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાના આરોપની તપાસ ઈડી અને ઇન્કમ ટૅક્સ કરે એ માટેના પુરાવા રજૂ કરવાનું કિરીટ સોમૈયાએ કહ્યું

ફાઇલ તસવીર

કોરોના મહામારીમાં દરદીઓને સારવાર આપવા માટે મુંબઈ અને પુણેમાં જમ્બો કોવિડ સેન્ટર મહાવિકાસ આઘાડી સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા ઊભાં કરવામાં આવ્યાં હતાં. મુંબઈમાં દહિસર, વરલી, મુલુંડ, મહાલક્ષ્મી રેસકોર્સ અને પુણેમાં શિવાજીનગર ખાતે ઊભાં કરવામાં આવેલાં આવા જમ્બો કોવિડ સેન્ટરમાં તબીબી સેવા આપવા માટે એક કંપનીને કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. આ કંપનીને તબીબી સેવાનો કોઈ અનુભવ જ નથી અને એ બોગસ હોવા છતાં એને ૧૦૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હોવાનો દાવો બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ કર્યો છે. માહિતી અધિકાર દ્વારા મેળવેલી માહિતી મુજબ આ કંપની સાથે સંજય રાઉતના મિત્ર અને બિઝનેસ પાર્ટનર સુજિત પાટકર સંકળાયેલા છે. કેઈએમ હૉસ્પિટલની બહાર ચા વેચતી એક વ્યક્તિના બૅન્ક-ખાતામાં ૧૦ કરોડ રૂપિયા આ કંપની મારફત ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ રકમ બાદમાં કોને-કોને ટ્રાન્સફર કરવામાં આવી છે એની તપાસ ઇન્કમ ટૅક્સ અને ઈડી દ્વારા કરાવવાની માગણી કિરીટ સોમૈયાએ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનને કરી છે.

બીજેપીના નેતા કિરીટ સોમૈયાએ ગઈ કાલે માહિતી આપી હતી કે લાઇફલાઇન હૉસ્પિટલ મૅનેજમેન્ટ સર્વિસિસ ફર્મ નામની કંપનીને મુંબઈ બીએમસી અને પુણે બીએમસીએ કોવિડના કાળમાં જમ્બો કોવિડ સેન્ટરમાં તબીબી સેવા પૂરી પાડવા માટેનો ૧૦૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપ્યો હતો. આ કંપની સાથે સંજય રાઉતના બિઝનેસ પાર્ટનર સુજિત પાટકર સંકળાયેલા છે. આ કંપની પાસે તબીબી સેવાનો કોઈ અનુભવ ન હોવા છતાં તેને આટલો મોટો કૉન્ટ્રૅક્ટ આપવા બાબતની તપાસમાં આની પાછળ શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નજીકના લોકો હોવાની શંકા જતાં માહિતી અધિકાર નિયમ હેઠળ માહિતી મેળવ્યા બાદ માર્ચ મહિનામાં પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. જોકે એ સમયે મહાવિકાસ આઘાડીની સરકાર હતી એટલે કોઈ તપાસ કે કાર્યવાહી નહોતી થઈ. આથી ફરી વખત પોલીસમાં આ મામલે રજૂઆત કરાતાં આઝાદ મેદાન પોલીસે ગઈ કાલે એફઆઇઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

સ્ટૉલ ચલાવનારાના અકાઉન્ટમાં ૧૦ કરોડ
કિરીટ સોમૈયાએ કહ્યું હતું કે ‘આઝાદ મેદાન પોલીસે રાતના અઢી વાગ્યે મને બોલાવીને એફઆઇઆર નોંધાવ્યો હતો, જેમાં લાઇફલાઇન હૉસ્પિટલ મૅનેજમેન્ટ સર્વિસિસ ફર્મ, ડૉ. હેમંત રામશરણ ગુપ્તા, સુજિત મુકુંદ પાટકર, સંજય મદનલાલ શાહ અને રાજુ નંદકુમાર સાળુંખેનાં નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યાં છે. આ કંપની પાસે તબીબી સેવાનો કોઈ અનુભવ ન હોવા છતાં મુંબઈનાં ચાર અને પુણેના એક મળીને કુલ પાંચ જમ્બો કોવિડ સેન્ટરમાં ડૉક્ટર સહિત તબીબી સેવા પૂરી પાડવા માટે ૧૦૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. સુજિત પાટકર સંજય રાઉતના મિત્ર અને બિઝનેસ પાર્ટનર છે. તેમના અકાઉન્ટમાંથી પાંચમા નંબરના આરોપી રાજુ સાળુંખેના બૅન્ક-અકાઉન્ટમાં ૧૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પુરાવા મેં પોલીસને આપ્યા છે. રાજુ સાળુંખેના ખાતામાંથી રૂપિયા કોને-કોને ટ્રાન્સફર કરાયા છે એની તપાસ કરવા માટે ઇન્કમ ટૅક્સ અને ઈડીના અધિકારીઓને હું મળીશ. મહત્ત્વની વાત એ છે કે ખોટી કંપની ઊભી કરીને કરોડો રૂપિયાની લૂંટ ચલાવવા માટે શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેના નજીકના લોકોને આ કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો.’

બોગસ પાર્ટનરશિપ
કિરીટ સોમૈયાએ પોલીસમાં કરેલી ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે કે જૂન ૨૦૨૦થી માર્ચ ૨૦૨૨ દરમ્યાન લાઇફલાઇન હૉસ્પિટલ મૅનેજમેન્ટ સર્વિસિસ ફર્મ અને આ ફર્મના ભાગીદાર ડૉ. હેમંત રામશરણ ગુપ્તા, સુજિત પાટકર, સંજય મદનલાલ શાહ અને રાજુ સાળુંખેને મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં ઊભાં કરવામાં આવેલાં જમ્બો કોવિડ સેન્ટરમાં તબીબી સેવાનું ટેન્ડર મેળવવા માટે ૨૬ જૂન ૨૦૨૨ના રોજ બોગસ પાર્ટનરશિપ તૈયાર કરવામાં આવી હતી. આ કંપનીને બાદમાં દહિસર, મુલુંડ, વરલી અને મહાલક્ષ્મી રેસકોર્સ તથા પુણેના શિવાજી નગરમાં ઊભાં કરવામાં આવેલાં જમ્બો કોવિડ સેન્ટરમાં તબીબી સેવા પૂરી પાડવા માટે ૧૦૦ કરોડ રૂપિયાનો કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો હતો. કંપની બોગસ હોવાની જાણ પુણે મહાનગર પ્રદેશ વિકાસ ઑથોરિટીને થતાં આ કંપનીને કૉન્ટ્રૅક્ટ ન આપવાનો આદેશ ૯ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ આપ્યો હતો. આમ છતાં, આ કંપનીનું ટેન્ડર મુંબઈ બીએમસીએ મંજૂર કર્યું હોવાનો દાવો કિરીટ સોમૈયાએ કર્યો હતો. ૧૦૦ કરોડ રૂપિયાના આ કૉન્ટ્રૅક્ટમાં ૩૮ કરોડ રૂપિયાની ઘાલમેલ કરવામાં આવી હોવાના કેટલાક પુરાવા રજૂ કરાતાં આઝાદ મેદાન પોલીસે કંપની સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

mumbai mumbai news coronavirus covid19 kirit somaiya sanjay raut