મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વડા પ્રધાનની ભૂલ સુધારી લીધી?

05 January, 2025 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુણેના સંત સંવાદ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી મહારાજની જિરેટોપ પહેરવાને બદલે નમન કર્યું

પુણેના આળંદીમાં સંત સંવાદ કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસને છત્રપ‌તિ શિવાજી મહારાજની જિરેટોપ ભેટ આપવામાં આવી હતી.

હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજ પાઘડી લપેટવામાં આવી હોય એવી ખાસ પ્રકારની લોખંડની હેલ્મેટ માથા પર પહેરતા હતા, જેને જિરેટોપ કહેવામાં આવે છે. આ જિરેટોપનું મહારાષ્ટ્રમાં ખૂબ મહત્ત્વ છે. પુણેના આળંદીમાં શુક્રવારે સંત સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ચીફ ગેસ્ટ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હતા. મંચ પર મુખ્ય પ્રધાનનું સ્વાગત કરવાની સાથે બાબા સ્વામીજી અને ભાસ્કરગિરિ મહારાજે દેવેન્દ્ર ફડણવીસને છત્રપતિ શિવાજી મહારાજ પહેરતા હતા એ જિરેટોપ પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે દેવેન્દ્ર ફડણવીસે જિરેટોપ પહેરવાની ના પાડી દીધી હતી. બન્ને મહારાજે એકથી વધુ વખત જિરેટોપ માથે પહેરવા માટે વિનંતી કરી હોવા છતાં દેવેન્દ્ર ફડણવીસે નમ્રતાપૂર્વક તેમની વિનંતી નકારી હતી. મુખ્ય પ્રધાનના આ વિવેકનાં ખૂબ વખાણ થઈ રહ્યાં છે. બાદમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ સંબંધે પોસ્ટ કરી હતી. એમાં તેમણે લખ્યું હતું કે ‘જિરેટોપ પહેરવાનું માન છત્રપતિનું જ છે. જનતાના રાજ્યનું નિર્માણ કરવા માટે આ સેવકને મહારાજના આશીર્વાદ જ પૂરતા છે.’

ગયા વર્ષે મે ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીની પ્રચારસભા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં આવ્યા હતા ત્યારે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે વડા પ્રધાનનું સ્વાગત છત્રપતિ શિવાજી મહારાજની જિરેટોપ પહેરાવીને કર્યું હતું. આમ કરવાથી છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન કરવામાં આવ્યું હોવાનું કહીને શિવપ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરવાની સાથે ટીકા કરી હતી. આ જ કારણસર દેવેન્દ્ર ફડણવીસે જિરેટોપ માથા પર ગ્રહણ કરવાની ના પાડી હોવાનું કહેવાય છે. તેમણે વડા પ્રધાનની ભૂલ સુધારી લીધી હોવાની ચર્ચા થઈ રહી છે.

maharashtra news maharashtra devendra fadnavis shivaji maharaj mumbai news mumbai news