ઉજ્જૈ‍‍‍‍નના મહાકાલ મંદિરની જેમ મહાલક્ષ્મી મંદિર પરિસરની પણ થશે ભવ્ય કાયાપલટ

13 May, 2025 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૩૭.૩૨ કરોડ રૂપિયા વાપરીને BMC રાજ્ય સરકારની ભાગીદારીમાં આ રીવૅમ્પ કરશે

મુંબઈનું મહાલક્ષ્મી મંદિર

મુંબઈનું મહાલક્ષ્મી મંદિર દેશભરનાં પ્રમુખ મંદિરોમાંનું એક છે. ઉજ્જૈનના મહાકાલ મંદિરની જેમ મહાલક્ષ્મી મંદિર-પરિસરનો વિકાસ કરી ત્યાં ભાવિકો માટે સુવિધા ઊભી કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) રાજ્ય સરકારની મદદ દ્વારા એ પ્લાન અમલમાં મૂકવાની છે. એ માટે રાજ્ય સરકારે ‍BMCને હવે ૩૭.૩૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.  

દેશભરમાંથી રોજ હજારો ભાવિકો અહીં દર્શન માટે આવતા હોય છે. જોકે એ વખતે તેમને સાંકડા રસ્તા, વાહનોની ગિરદી, એમાં પાછા ગેરકાયદે પાર્ક કરવામાં આવતાં વાહનોની સમસ્યાનો સામનો કરવો પડે છે. એથી ભાવિકો સારી રીતે દર્શન કરી શકે એ માટે BMCએ એના રીવૅમ્પનો પ્લાન બનાવ્યો છે. રાજ્ય સરકારની ભાગીદારી સાથે BMC આ પ્લાન અમલમાં મૂકવાની છે.  

રીવૅમ્પ હેઠળ શું-શું કરવામાં આવશે?

મંદિર તરફ જતા રોડ પરની દુકાનો નવેસરથી એકસરખી બનાવાશે.

મંદિર તરફ જતો રોડ સુધારવામાં આવશે.

ત્યાંની દીવાલો નવેસરથી રંગવામાં આવશે.

હેરિટેજ શૈલીની સ્ટ્રીટ-લાઇટના થાંભલા, લાકડાંની બેન્ચો અને સાઇનબોર્ડ બેસાડવામાં આવશે.

મુખ્ય માર્ગ પર કમાનો બેસાડવામાં આવશે.

ભીડને ખાળવાના ઉપાય યોજવામાં આવશે.

દરિયા તરફ જતા રસ્તાની બાજુમાં આવેલા ગાર્ડનમાંથી એલિવેટેડ રોડ બનાવાશે અને એમાં દાદરા અથવા એસ્કેલેટર બેસાડવામાં આવશે.

મંદિર-પરિસરમાં પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવશે અને ઇલે​ક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ-પૉઇન્ટની વ્યવસ્થા કરાશે.

ખુલ્લી જગ્યાઓમાં ફૂલઝાડ રોપવામાં આવશે.

મંદિર-પરિસરમાં શેડ અને સોલર-પૅનલ બેસાડવામાં આવશે.

 મંદિર-પરિસરમાં સુશોભિત લાઇટિંગની રોશની કરવામાં આવશે.

ભીંતો પર જરૂરી ભીંત-શિલ્પ અને દીપસ્તંભ બેસાડવામાં આવશે.

mumbai mahalaxmi religious places religion ujjain news brihanmumbai municipal corporation mumbai news