પરોઢિયે ૪ વાગ્યે પડઘા અને બોરીવલીમાં ત્રાટકી ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ

04 June, 2025 07:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦ કરતાં વધુ પોલીસનો કાફલો પહોંચી ગયો : SIMIના ઑપરેટિવ સાકિબ નાચનના ઘરે તપાસ કરવામાં આવી, ૧૨ જણને તાબામાં લઈને પૂછપરછ કરવામાં આવી

સાકિબ નાચન (તસવીર: મિડ-ડે)

મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડે (ATS) ગઈ કાલે થાણેના પડઘા અને એની પાસે આવેલા બોરીવલી ગામમાં ગઈ કાલે જોરદાર સર્ચ-ઑપરેશન કર્યું હતું. ગઈ કાલે પરોઢિયે ૪ વાગ્યે ૨૦૦ કરતાં વધુ પોલીસ-કર્મચારીઓનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો. તેમણે સર્ચ-ઑપરેશન હેઠળ તપાસ કરીને ૧૨ લોકોને તાબામાં લઈને તેમની પૂછપરછ ચાલુ કરી હતી. સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા (SIMI)ના સાકિબ નાચન, આકિબ સાકિબ નાચન, અબ્દુલ લતીફ કાસકર, કૈફ નાચન અને શાજિલ નાચન સહિત અન્યોના ઘર પર સર્ચ-ઑપરેશન કરવામાં આવ્યું હતું.

જમીનની લે-વેચ કરતા SIMIના સભ્ય વર્ષના ફારુખ ઝુબેર મુલ્લાના ઘરે પણ સર્ચ-ઑપરેશન કરવામાં આવ્યું હતું. તેનો ભાઈ હાસિબ મુંબઈ ટ્રેન-બ્લાસ્ટ કેસનો આરોપી હતો અને તેને એ કેસમાં ૧૦ વર્ષની કેદની સજા પણ થઈ હતી. એ પછી ૨૦૨૩ની ૯ ડિસેમ્બરથી હાસિબ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) મૉડ્યુલ કેસમાં સાકિબ નાચન સાથે દિલ્હીની જેલમાં બંધ છે. એ સિવાય અબ્દુલ લતીફ કાસકરના ઘરે પણ સર્ચ-ઑપરેશન કરવામાં આવ્યું હતું. અબ્દુલ લતીફ એક ગોડાઉનમાં કામ કરે છે. તે ફરહાન સુસેનો ખાસ ફ્રેન્ડ છે. ફરહાન સુસેની દિલ્હીમાં ISIS મૉડ્યુલ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

ATSના એક ઑફિસરે કહ્યું હતું કે આ સર્ચ-ઑપરેશન દરમ્યાન ૬ શકમંદો તેમના ઘરે નહોતા. બપોર સુધી સર્ચ-ઑપરેશન ચાલ્યું હતું. પોલીસે ૧૨ શકમંદોને તાબામાં લીધા હતા. તેમને પડઘા પોલીસ-સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની એ પછી પૂછપરછ કરવામાં આવી હતી. 

કોણ છે સાકિબ નાચન?

બૉમ્બ બનાવવામાં એક્સપર્ટ સાકિબ નાચનની મુંબઈમાં ૨૦૦૨-’૦૩માં મુંબઈ સેન્ટ્રલ, વિલે પાર્લે અને મુલુંડમાં થયેલા બૉમ્બબ્લાસ્ટમાં સંડોવણી જણાઈ આવી હતી. એ કેસમાં તેને ૧૦ વર્ષની સજા પણ થઈ હતી. એ પછી સારી વર્તણૂકના આધારે જેલ ઑથોરિટી દ્વારા પાંચ મહિના વહેલો જ તેને જેલમાંથી છોડી દેવામાં આવ્યો હતો.

સાકિબ નાચન SIMIનો પદાધિકારી પણ રહી ચૂક્યો હતો. સાકિબ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બનાવવામાં એક્સપર્ટ છે અને તેને એ બૉમ્બ કઈ રીતે બનાવવા એની ટ્રેઇનિંગ આપવા અને એનું પરીક્ષણ કરવા બદલ ૨૦૨૩માં ઝડપી લેવામાં આવ્યો હતો. પુણેના કોંઢવામાં ISISના સમર્થકના ઘરે કેટલાક અન્ય સાથીઓને તેણે બૉમ્બ બનાવવાની ટ્રેઇનિંગ આપી હતી. તેમણે બૉમ્બ બનાવ્યો એ ખરેખર ફૂટે છે કે નહીં એની પણ ચકાસણી કરી હતી અને રિમોટ એરિયામાં જઈ લિમિટેડ કૅપેસિટીનો બૉમ્બ ફોડ્યો પણ હતો.  

mumbai thane anti terrorism squad maharashtra maharashtra news news mumbai news mumbai police