12 July, 2025 09:17 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
સરકારે છેલ્લા ૧૫ મહિનામાં ૬૦ ટકા એક્સાઇઝ ડ્યુટી વધારી દીધી અને હવે વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT-વૅટ)માં પણ વધારો ઝીંકવામાં આવતાં બાર અને પરમિટ-રૂમ ધરાવતી રેસ્ટોરાંના માલિકોએ એના વિરોધમાં સોમવારે ૧૪ જુલાઈએ ડ્રાય ડે પાળવાનું નક્કી કર્યું છે.
ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (આહાર) છેલ્લા ૧૫ મહિનામાં ટૅક્સમાં કરવામાં આવેલા વધારાનો વિરોધ કરી રહ્યું છે. આહારના સેક્રેટરી વી. કે. સિંહે કહ્યું હતું કે ‘વૅટ જે પહેલાં પાંચ ટકા હતો એ વધારીને બમણો ૧૦ ટકા કરી દેવામાં આવ્યો છે. લાઇસન્સ-ફીમાં ૧૫ ટકાનો વધારો કરવામાં આવ્યો છે અને એક્સાઇઝ ડ્યુટી ૬૦ ટકા વધારી દેવામાં આવી છે. ટૅક્સમાં થયેલો વધારો બહુ આકરો છે અને એની અસર માત્ર રાજ્યના ૧૯,૨૦૦ બાર અને પરિમટ-રૂમ પર જ નહીં પણ આખી સપ્લાય-ચેઇન પર પડશે. મહારાષ્ટ્રના પરમિટ-રૂમ અને બાર ૨૦ લાખ લોકોને રોજગાર પૂરો પાડે છે. ટૅક્સમાં થયેલા વધારાને કારણે એ બધાના રોજગાર સામે જોખમ ઊભું થયું છે.’
આહારના એક્ઝિક્યુટિવ સેક્રેટરી રાજેન્દ્ર બક્ષીએ કહ્યું હતું કે ‘અમે સોમવારે ડ્રાય ડે પાળવાના છીએ જેથી ઑથોરિટીને ખબર પડે કે અમને કેટલી ખરાબ અસર થાય છે. અમે એ માટે એક્સાઇઝ મિનિસ્ટ્રીને મળીને રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે તેઓ આ બાબતે જોશે કે શું થઈ શકે છે. જોકે તેમના તરફથી અમને કોઈ મક્કમ પ્રતિભાવ મળ્યો નથી કે જે કહે છે કે ટૅક્સમાં ઘટાડો થશે. અમારી સાથે ૪૮,૦૦૦ વેન્ડર્સ પણ સંકળાયેલા છે જેઓ અમને દરરોજ માલ પૂરો પાડે છે. જો અમે ખોટ કરીશું કે ઓછો ધંધો કરીશું તો એની અસર તેમને પણ થશે અને તેમનો રોજગાર છીનવાઈ જશે.’