11 March, 2025 09:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નાણાપ્રધાન અજિત પવારે ગઈ કાલે રાજ્યનું અગિયારમું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું હતું. અજિત પવારે બજેટનું ભાષણ શરૂ કરતાં પહેલાં મહારાષ્ટ્રના આરાધ્યદેવ યુગપુરુષ છત્રપતિ શિવાજી મહારાજ, સ્વરાજ્યરક્ષક છત્રપતિ સંભાજી મહારાજ, મહામાનવ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર, ક્રાન્તિજ્યોતિ સાવિત્રીબાઈ ફુલે, સાહિત્યરત્ન લોકશાહીર અણ્ણાભાઉ સાઠેને યાદ કર્યાં હતાં. રાજ્યના મહાનુભાવોનું સ્મરણ કર્યા બાદ નાણાપ્રધાને તેમનાં ભવ્ય સ્મારક બનાવવાની જાહેરાત કરી હતી.
નાણાપ્રધાન અજિત પવારે બજેટના ભાષણમાં કહ્યું હતું કે ‘ટૂરિઝમ પૉલિસી ૨૦૨૪ અંતર્ગત આગામી ૧૦ વર્ષમાં ૧ લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણથી મહાનુભાવોનાં ભવ્ય સ્મારક બનાવવામાં આવશે.
આ સ્મારક બનાવવામાં આવશે
શિવાજી મહારાજ અને તેમના પુત્ર સંભાજીને મુગલ શહેનશાહ ઔરંગઝેબે આગરાના કિલ્લામાં નજરકેદ કર્યા હતા. ૧૬૬૬માં શિવાજી મહારાજ પુત્ર સાથે આગરાના કિલ્લામાંથી બહાર નીકળ્યા હતા. શિવાજી મહારાજનું આ પરાક્રમ દેશ અને દુનિયા જોઈ શકે એ માટે ઉત્તર પ્રદેશ સરકારની સહાયથી આગરામાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે.
છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્ય ઊભું કર્યું હતું એ અત્યારની જ નહીં, આગામી પેઢી પણ જોઈ શકે એ માટે પુણેના આંબેગાવમાં શિવસૃષ્ટિ યોજના માટે ૫૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ ચાર તબક્કામાં પૂરો કરવામાં આવશે.
છત્રપતિ સંભાજી મહારાજે મુગલ અને પોર્ટુગીઝો સામે યુદ્ધ લડીને મરાઠા સામ્રાજ્યનું રક્ષણ કર્યું હતું. સંગમેશ્વરમાં સંભાજી મહારાજની ઔરંગઝેબે ક્રૂરતાથી હત્યા કરી હતી. આ સ્થળે ભવ્ય સ્મારક બનાવવામાં આવશે.
હરિયાણાના પાનીપતમાં ૧૭૬૧માં મરાઠાઓએ અફઘાનિસ્તાનના અહમદ શાહ અબ્દાલી સામે યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધમાં મરાઠાઓએ સ્વરાજ્ય માટે બલિદાન આપ્યાં હતાં. આથી અહીં હરિયાણા સરકારની મદદથી સ્મારક બનાવવામાં આવશે.
મુંબઈના દાદરની ચૈત્યભૂમિમાં ઇન્દુ મિલની જગ્યામાં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરનું ઇન્ટરનૅશનલ લેવલનું સ્મારકનું કામ ચાલી રહ્યું છે એ માટે જરૂરી ફંડની જોગવાઈ કરવામાં આવી છે.
ભારતના દિવંગત વડા પ્રધાન, ભારતરત્ન અટલ બિહારી વાજપેયીના જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે મુંબઈમાં ભવ્ય સ્મારક બનાવવામાં આવશે.
મુંબઈમાં બની રહેલા દિવંગત બાળાસાહેબ ઠાકરેના રાષ્ટ્રીય સ્મારકના પહેલા તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે. બીજા તબક્કાના કામ માટે બજેટમાં ૨૨૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આદ્યા શિક્ષિકા જ્ઞાનજ્યોતિ સાવિત્રીબાઈ ફુલેના સાતારા જિલ્લાના ખંડાલા તાલુકામાં આવેલા નાયગાવ ગામના જન્મસ્થળે સ્મારકની સાથે મહિલા પ્રશિક્ષણ કેન્દ્ર બનાવવામાં આવશે.
સાહિત્યરત્ન લોકશાહીર અણ્ણાભાઉ સાઠેના સાંગલી જિલ્લાના વાળવા તાલુકામાં આવેલા વાટેગાવ ખાતેના જન્મસ્થળે સ્મારક તેમ જ મુંબઈમાં સંશોધન અને પ્રશિક્ષણ સંસ્થા બનાવવા માટે ફંડની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારે સૌથી વધારે ૩૧,૯૦૭ કરોડ રૂપિયા મહિલા અને બાળવિકાસ ખાતાને ફાળવ્યા
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ફાઇનૅન્સ મિનિસ્ટર અજિત પવારે ગઈ કાલે નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬નું ૭ લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં ૨૦૨૪-’૨૫માં સરકારને થનારી કુલ આવકના અંદાજને પણ ૪,૯૯,૪૬૩ કરોડ રૂપિયાથી વધારીને ૫,૩૬,૪૬૩ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૫-’૨૬માં આવકનો અંદાજ ૫,૬૦,૯૬૩ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે. રાજ્યની નાણાકીય ખાધ ૧,૩૬,૨૩૪ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ આંકડો ગ્રૉસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GSDP)ના ત્રણ ટકાની અંદર હોવાથી સરકારની હેલ્થ સારી હોવાનો દાવો ફાઇનૅન્સ મિનિસ્ટરે કર્યો હતો.
સરકાર તરફથી સૌથી વધારે ૩૧,૯૦૭ કરોડ રૂપિયા મહિલા અને બાળવિકાસ ખાતાને ફાળવવામાં આવ્યા છે. ત્યાર બાદ બીજા નંબરે એનર્જી વિભાગને ૨૧,૫૩૪ કરોડ રૂપિયા આપવાનું જાહેર કરવામાં આવ્યું છે. પબ્લિક વર્કસ-રોડ અને અર્બન ડેવલપમેન્ટ વિભાગને અનુક્રમે ૧૯,૦૭૯ કરોડ અને ૧૧,૪૮૦ કરોડ રૂપિયાની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. સ્પોર્ટ્સની પાછળ આખા વર્ષમાં માત્ર ૫૩૭ કરોડ રૂપિયા વાપરવાનું જ સરકારે નક્કી કર્યું છે.
હવે CNG, LPG કાર અને EV પર વધારે ટૅક્સ ચૂકવવો પડશે
કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG), લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)થી ચાલતી કાર અને ઇલેક્ટ્રિક વેહિકલ (EV) ખરીદનારાઓએ હવે વધારે ટૅક્સ ચૂકવવો પડશે. ગઈ કાલે બજેટમાં ફાઇનૅન્સ મિનિસ્ટર અજિત પવારે CNG અને LPG કાર પર એક ટકો મોટર વેહિકલ ટૅક્સ વધારવાની જાહેરાત કરી હતી, જ્યારે ૩૦ લાખ કે એનાથી મોંઘી EV પર છ ટકા ટૅક્સ વસૂલવામાં આવશે. આ સિવાય કન્સ્ટ્રક્શનમાં વપરાતાં વેહિકલ્સ અને ૭૫૦૦ કિલો સુધીના સામાનની હેરફેર કરતાં લાઇટ ગુડ્સ વેહિકલ્સ પર લમ્પસમ સાત ટકા ટૅક્સની જાહેરાત કરી છે. આમાંથી સરકારને અનુક્રમે ૧૮૦ કરોડ અને ૬૨૫ કરોડ રૂપિયાની આવક થશે. અજિત પવારે કહ્યું હતું કે ‘સરકારની આવક અને ખાધનો ગૅપ પૂરવા માટે આ ટૅક્સ નાખવામાં આવ્યો છે. આ પૈસાનો ઉપયોગ રોડ ડેવલપમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ અને પર્યાવરણને લગતાં કામમાં કરવામાં આવશે.’
વર્ષ ૨૦૨૪-’૨૫માં સરકારને મોટર વેહિકલ ટૅક્સ પેટે ૧૪,૮૭૫ કરોડ રૂપિયાની આવક થઈ હતી જે ૨૦૨૫-’૨૬માં વધીને ૧૫,૬૦૬ કરોડ રૂપિયા થવાની ગણતરી છે.