20 February, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ગઈ કાલે કૅબિનેટની બેઠક મળી હતી. ૨૦૦૫થી રાજ્યમાં ડાન્સબાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એ કાયદામાં સુધારો કરવા વિશે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યના આગામી બજેટસત્રમાં ડાન્સબાર પર પ્રતિબંધ મૂકવાના કાયદામાં સુધારો કરવા માટેનું બિલ રજૂ કરવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટે ડાન્સબાર પર પ્રતિબંધ મૂકતી વખતે સૂચવેલી સૂચના મુજબ કાયદામાં સુધારો થઈ શકે છે. આ બિલ મંજૂર થયા બાદ મુંબઈ સહિત રાજ્યભરમાં ફરીથી ડાન્સબાર ધમધમતા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કૅબિનેટની બેઠકમાં ઍન્ટિ-નાર્કોટિક્સ ફોર્સમાં ૩૪૬ નવા પદ, નિર્માણ અને રાજ્યના રોપવેના કામ માટે નૅશનલ હાઇવે લૉજિસ્ટિક મૅનેજમેન્ટ લિમિટેડને જરૂરી જગ્યા ઉપલબ્ધ કરવા મંજૂરી આપવા સહિતના નિર્ણય પણ લેવામાં આવ્યા હતા.
ડાન્સબારના કાયદા વિશે ચર્ચા થવાની વાત લીક થવાથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ નારાજ થઈ ગયા છે અને તેમણે કૅબિનેટની બેઠકમાં થતી ચર્ચા જાહેર ન કરવાની ચેતવણી અધિકારીઓને આપી હોવાનું જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ડાન્સબારને કારણે યુવાનો બરબાદ થતા હોવાની ફરિયાદો મળ્યા બાદ પહેલાં બૉમ્બે હાઈ કોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં ૨૦૦૫ની ૧૫ ઑગસ્ટથી ડાન્સબાર પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આથી મુંબઈ સહિત રાજ્યના અસંખ્ય ડાન્સબાર બંધ કરી દેવામાં આવ્યા હતા.