વડીલ જીવતા હોય ત્યારે તેમનો વારસદાર શોધવાની આપણા દેશની પરંપરા નથી

02 April, 2025 06:57 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

નાગપુર જઈને નરેન્દ્ર મોદીએ RSSના વડા મોહન ભાગવત સમક્ષ નિવૃત્તિ જાહેર કરી? ઉદ્ધવસેનાના સંજય રાઉતે આવો દાવો કર્યો છે, પણ દેવેન્દ્ર ફડણવીસ કહે છે...

રવિવારે નાગપુરમાં મોહન ભાગવત અને નરેન્દ્ર મોદી.

સંઘના વરિષ્ઠ નેતા ભૈયાજી જોશીએ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી અત્યારે ઘણાં મહાન કામ કરી રહ્યા છે, આ કામને અમારું પૂરેપરું સમર્થન છે

નરેન્દ્ર મોદીએ ૧૧ વર્ષ બાદ નાગપુરમાં આવેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલય રેશિમબાગમાં રવિવારે જઈને સંઘના સ્થાપક ડૉ. કેશવબળીરામ હેડગેવાર અને માધવ ગોળવલકર ગુરુજીના સમાધિસ્થળનાં દર્શન કર્યાં હતાં. આ મુલાકાત વખતે વડા પ્રધાને સંઘ અને એની સાથેના તેમના સંબંધોની વાત કરી હતી, પણ ઉદ્ધવવસેનાના મુખ્ય પ્રવક્તા અને રાજ્યસભાના સંસદસભ્ય સંજય રાઉતે આ મુલાકાતને નવી દિશા આપી હતી. ગઈ કાલે તેમણે કહ્યું હતું કે સંઘે નરેન્દ્ર મોદીને તેમના ઉત્તરાધિકારી વિશે ચર્ચા કરવા માટે નાગપુર બોલાવ્યા હતા. નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી મહારાષ્ટ્રના જ હશે એવો દાવો સંજય રાઉતે કર્યો હતો. આથી આ મુદ્દે ગઈ કાલે જોરદાર રાજકીય ચર્ચા શરૂ થઈ હતી.

પત્રકારોએ ગઈ કાલે સંજય રાઉતને નરેન્દ્ર મોદીના રાજકીય વારસદાર કોણ હશે એવો સવાલ કર્યો હતો એના જવાબમાં તેમણે કહ્યું હતું કે ‘આ બાબતનો નિર્ણય RSS લેશે એવું લાગી રહ્યું છે. આ વિશે ચર્ચા કરવા માટે જ નરેન્દ્ર મોદીને નાગપુરમાં બોલાવવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી માટે રસ્સીખેંચ થશે કે નહીં એ કહી ન શકાય, પણ RSSની ચર્ચા બંધ દરવાજે થાય છે એટલે તેમના નિર્ણયની જાણ થવાની શક્યતા નથી. આમ છતાં સંકેત મળી રહ્યા છે કે નરેન્દ્ર મોદીના આગામી વારસદાર મહારાષ્ટ્રના જ હશે.’

સંજય રાઉતના દાવા વિશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી પોતે સક્ષમ છે. આથી તેમના ઉત્તરાધિકારી શોધવાની કોઈ જરૂર જ નથી. નરેન્દ્ર મોદી હજી ઘણાં વર્ષ કામ કરી શકશે અને ૨૦૨૯માં પણ તેઓ જ વડા પ્રધાન તરીકે કામ કરે એવું દેશ ઇચ્છી રહ્યો છે. વડીલ જીવતા હોય ત્યારે વારસદાર શોધવાની આપણા દેશની પરંપરા નથી. આથી આ વિશે અત્યારે વિચારવાની જરૂર નથી. આ મુગલોની સંસ્કૃતિ છે. મહારાષ્ટ્રના ઉત્તરાધિકારી હશે એવા દાવા સાથે મારો કોઈ સંબંધ નથી.’

અત્યારે ઉત્તરાધિકારીનો પ્રશ્ન નથી : RSS ના ભૈયાજી જોશી

RSSના નેતા ભૈયાજી જોશીને નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી વિશે પૂછવામાં આવતાં તેમણે ગઈ કાલે કહ્યું હતું કે ‘અત્યારે ઉત્તરાધિકારીનો સવાલ જ કયાં આવે છે? સંઘમાં જે પરંપરા છે એ મુજબ સમય આવ્યે નિર્ણય લેવામાં આવશે. નરેન્દ્ર મોદી અત્યારે ઘણાં મહાન કામો કરી રહ્યા છે. આ કામને સંઘનું પૂરેપરું સમર્થન છે. BJP અને RSS વચ્ચે ખાઈ વધી રહી હોવાની વાતમાં કોઈ દમ નથી, કોઈ ખાઈ નથી. આ વાત મીડિયાની દેન છે. ગુઢીપાડવાએ નરેન્દ્ર મોદી નાગપુર આવ્યા હતા ત્યારે તેમના ઉત્તરાધિકારી વિશે કોઈ ચર્ચા નથી થઈ.’

BJPની ૭૫ વર્ષની પરંપરા કાયમ રહેશે?

નરેન્દ્ર મોદીએ થોડાં વર્ષ પહેલાં ફરમાન જાહેર કર્યું હતું કે ૭૫ વર્ષ પૂરાં થયાં હોય તેવા નેતા રાજકારણથી દૂર થાય અને નવી પેઢીને તક આપે. નરેન્દ્ર મોદી અત્યારે ૭૪ વર્ષના છે. આ વર્ષે ૧૭ સપ્ટેમ્બરે તેઓ ૭૫ વર્ષના થશે. ૨૦૨૯ સુધીમાં નરેન્દ્ર મોદી ૭૮ વર્ષના થશે. આથી આગામી લોકસભાની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી રાજકારણમાંથી દૂર થશે કે તેમણે જ જાહેર કરેલી ૭૫ વર્ષની પરંપરાને તોડવામાં આવશે એ જોવું રહ્યું.

ઉત્તરાધિકારી કોણ બની શકે છે?

નરેન્દ્ર મોદી ૨૦૧૨થી અત્યાર સુધી BJPનો ચહેરો રહ્યા છે. તેમની આગેવાનીમાં આજે દેશનાં ૨૧ રાજ્યમાં સરકાર ચાલી રહી છે. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં BJP ૨૦૧૪ અને ૨૦૧૯ની જેમ એકલે હાથે સત્તા નહોતી મેળવી શકી, પણ સાથીપક્ષોના સહયોગથી નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડા પ્રધાન બન્યા. લોકસભા બાદ તેલંગણ, ઝારખંડ, હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના ચહેરા પર લડવામાં આવી હતી. આ ચૂંટણીઓમાં BJPએ અભૂતપૂર્વ સફળતા મેળવીને સત્તાની સ્થાપના કરી છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇન્ડિયા ટુડેએ મૂડ ઑફ ધ નેશન સર્વેક્ષણ કર્યું હતું જેમાં નરેન્દ્ર મોદીના રાજકીય વારસદાર કોણ બનશે એવો સવાલ કરવામાં આવ્યો હતો. ૨૬.૮ ટકા લોકોએ અમિત શાહ અને ૨૫.૩ ટકા લોકોએ યોગી આદિત્યનાથની પસંદગી કરી હતી. એ બાદ ૧૪.૬ ટકાએ નીતિન ગડકરી, ૫.૫ ટકાએ રાજનાથ સિંહ અને ૩.૨ ટકાએ શિવરાજ સિંહ ચૌહાણને પસંદ કર્યા હતા.

narendra modi sanjay raut devendra fadnavis mohan bhagwat nagpur rashtriya swayamsevak sangh bharatiya janata party amit shah yogi adityanath nitin gadkari Lok Sabha political news maharashtra maharashtra news news mumbai mumbai news