13 May, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દેવેન્દ્ર ફડણવીસ (ફાઇલ તસવીર સૌજન્ય: મિડ-ડે)
ઑપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી છે પરંતુ મહારાષ્ટ્ર સરકાર સંપૂર્ણપણે સતર્ક છે. સોમવારે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સંરક્ષણ દળોની એક બેઠક યોજી હતી. આમાં તેઓએ ઇન્ટેલિજેન્સ ઇન્ફોર્મેશની વધુ સારા સંકલન અંગે ચર્ચા કરી. ફડણવીસે કહ્યું કે સેનાએ જે રીતે કાર્યવાહી કરી છે, પાકિસ્તાને સમજી લીધું હશે કે તે ભારત સાથે સીધું લડી શકે નહીં. ફડણવીસે પ્રૉક્સી વૉરની આશંકા વ્યક્ત કરી. ૨૦૦૮માં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા મુંબઈ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને ૨૬/૧૧ મુંબઈ હુમલા તરીકે ઓળખવામાં આવે છે, જેના માટે આતંકવાદીઓ દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશ્યા હતા. તે સમયે અજમલ કસાબ જીવતો પકડાઈ ગયો હતો.
દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
ફડણવીસે કહ્યું કે આપણી સેનાએ ખૂબ જ બહાદુરીથી પાકિસ્તાનને તેનું સ્થાન બતાવ્યું. તેમના ઘણા ઍરબેઝનો નાશ કરવામાં આવ્યો હતો અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. જેના કારણે પાકિસ્તાન હવે સમજી ગયું હશે કે તે ભારત સાથે સીધું યુદ્ધ કરી શકશે નહીં. પછી તેઓ એક પ્રૉક્સી વૉર કરી શકે છે, આવા યુદ્ધમાં તેઓ મુંબઈ જેવી જગ્યાએ કોઈ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરે છે, તેથી આજે અમે મુંબઈ અને મહારાષ્ટ્રને સુરક્ષિત રાખવા માટે કેવા પ્રકારના સંકલનની જરૂર છે તેની ચર્ચા કરવા માટે એક બેઠક યોજી હતી. અમે બધી બાબતોની ચર્ચા કરી છે અને રણનીતિ તૈયાર કરી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા જતા સંઘર્ષની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે તમામ સાવચેતીઓ લીધી છે, એમ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું. તેમણે સંત જ્ઞાનેશ્વરના દર્શન કર્યા પછી ફડણવીસે આલંદી ગામમાં પત્રકારો સાથે વાત કરી. "પાકિસ્તાન એક આતંકવાદી રાજ્ય છે. તેઓ આતંકવાદને સમર્થન આપી રહ્યા છે, પરંતુ ભારત અટકશે નહીં. પીએમ મોદીના નેતૃત્વમાં, આપણા સશસ્ત્ર દળો પાકિસ્તાનને યોગ્ય જવાબ આપી રહ્યા છે," તેમણે કહ્યું.
શું છે ઑપરેશન સિંદૂર?
પહલગામ હુમલા બાદ ભારતીય સશસ્ત્ર દળ દ્વારા ગઇકાલે મોડી રાત્રે બહુ જ મોટી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન તેમ જ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આતંકવાદીના ઠેકાણાઓને નિશાન બનાવીને `ઓપરેશન સિંદૂર` શરૂ કર્યું હતું. પહલગામ આતંકવાદી હુમલો 22 એપ્રિલે દક્ષિણ કાશ્મીરમાં થયો હતો જેમાં મુખ્યત્વે પ્રવાસીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક નિશાન બનાવવામાં આવેલા નવ ઠેકાણાની વાત કરીએ તો તેમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પીઓકેમાં સ્થિત છે. પાકિસ્તાનમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, ભારતે બદલો લેવા માટે પાકિસ્તાનના ઘણા મહત્વપૂર્ણ સ્થળોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.