16 August, 2026 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ
મહારાષ્ટ્ર રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (Maharashtra FDA) હાલમાં જોરદાર કાર્યવાહી હાથ ધરી છે. આ જ કાર્યવાહીના ભાગરૂપે હવે બોલિવૂડની ત્રણ જાણીતી હસ્તીઓને નોટિસ ફટકારવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે એક્ટર શાહરુખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને શૉ-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ એટલે ફટકારવામાં ઐ છે કેમ કે આ એક્ટરોએ`વિમલ પાન મસાલા/ઈલાયચી`ની સરોગેટ (અપ્રત્યક્ષ) જાહેરાતમાં ભાગ લીધો હતો. હાલમાં મહારાષ્ટ્ર FDA કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વ હેઠળ ગુટખા અને નિકોટિનયુક્ત પદાર્થો સામે જોરદાર ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ જ ઝુંબેશના ભાગરૂપે હવે આ ત્રણ એક્ટર્સને નોટિસ બજાવવામાં આવી છે. અજય દેવગનને તેના જુહૂ ખાતેના બંગલે, શાહરુખ ખાનને તેના બાંદ્રામાં આવેલ બંગલા `મન્નત` અને ટાઇગર શ્રોફના પ્રોડક્શન હાઉસના સરનામે નોટિસ મોકલવામાં આવી છે.
FDA (Maharashtra FDA) દ્વારા ફટકારવામાં આવેલ નોટિસમાં ત્રણેય એક્ટર્સને વિમલ પાન મસાલાની જાહેરાતમાં કામ કરવાનું તાકીદે બંધ કરવાનું જણાવાયું છે અને તેઓને આ પ્રકારનું પ્રમોશનલ કનેન્ટ પોતપોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ્સ તથા વેબસાઇટ પરથી હટાવી દેવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. તેની સાથોસાથ આ એક્ટર્સ સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ તે અંગેનો લેખિતમાં જવાબ પણ ૧૫ દિવસની અંદર સ્પષ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ જારી કરાયેલા આદેશ મુજબ રાજ્યમાં પાન મસાલા અને ગુટખાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. FDA (Maharashtra FDA)એ જણાવ્યું છે કે બ્રાન્ડનું નામ અને જાહેરાતની શૈલી અપ્રત્યક્ષ રીતે પ્રતિબંધિત તંબાકુ ઉત્પાદનનું જ પ્રમોશન કરે છે.
એક્ટરોને બજાવવામાં આવેલી નોટિસમાં સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો અધિનિયમ, ૨૦૦૩ (COTPA)નો પણ ઉલ્લેખ કરાયો છે. FDAએ જણાવ્યું હતું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ૨૦૧૯ની કલમ ૨૧, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને ભ્રામક જાહેરાતોને સમર્થન આપનારાઓ પર દંડ લાદવાનો અધિકાર આપે છે. નોટિસ મુજબ પ્રથમ ઉલ્લંઘન માટે ૧૦ લાખ રૂપિયા અને એના પછી ઉલ્લંઘન કર્યું તો ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
હવે એકબાજુ FDA (Maharashtra FDA) દ્વારા આ કાર્યવાહી કરી છે ટો બીજી તરફ રાજકીય ગરમાવો પણ વધ્યો છે. નેતા રોહિત પવારે FDAની કાર્યવાહી અંગે પ્રશાસન સામે જ સવાલો ઉઠાવ્યા છે. રોહિત પવારે એક્ટર્સનો બચાવ કરતાં જણાવ્યું હતું કે નોટિસ એક્ટર્સને આપવાને બદલે `વિમલ` કંપનીના માલિકને આપવી જોઈએ. શું અધિકારીઓ એવી અપેક્ષા રાખે છે કે કલાકારો તેમની ઓફિસે હાજરી આપે? તુકારામ મુંઢેની કામગીરી પર કટાક્ષ કરતાં રોહિત પવારે કહ્યું કે જો તેઓ પાન મસાલા બાબતે આટલા ગંભીર હોય, તો તેમને એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડના પ્રમુખ બનાવી દેવા જોઈએ. સાથે જ તેમણે એક જ અધિકારીને મીડિયામાં હાઇલાઇટ કરવા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.