મસ્જિદોનો ઘોંઘાટ બંધ કરાવશે દેવેન્દ્ર ફડણવીસ

12 March, 2025 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિધાનસભામાં જાહેરાત કરી કે ધાર્મિક સ્થળોમાં મર્યાદાથી ઊંચા અવાજે લાઉડસ્પીકરનો ઉપયોગ થશે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે, નૉઇઝ પૉલ્યુશન ઍક્ટ મુજબ નિયમનું પાલન ન કરનારા સામે ઍક્શન લેવાની જવાબદારી સ્થાનિક પોલીસની રહેશે

દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળોએ લગાવવામાં આવેલા લાઉડસ્પીકરને લીધે ધ્વનિપ્રદૂષણ થતું હોવાની અનેક ફરિયાદો કરવામાં આવતી હોવા છતાં નિયમનું ઉલ્લંઘન કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. મહારાષ્ટ્ર સરકારનું મુંબઈમાં અત્યારે બજેટસત્ર ચાલી રહ્યું છે એમાં ગઈ કાલે ભારતીય જનતા પાર્ટીનાં નાશિકનાં વિધાનસભ્ય દેવયાની ફરાંદેએ લાઉડસ્પીકર બાબતે સરકારની નીતિ વિશે સવાલ કર્યો હતો.

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એના જવાબમાં કહ્યું હતું કે ‘નૉઇઝ પૉલ્યુશન ઍક્ટ મુજબ દિવસે પંચાવન અને રાત્રે ૪૫ ડેસિબલ અવાજના નિયમનું ઉલ્લંઘન જે પણ કરશે તેમની લાઉડસ્પીકરની પરવાનગી કાયમ માટે રદ કરવાની સાથે લાઉડસ્પીકર જપ્ત પણ કરવામાં આવશે. મંદિર હોય કે મસ્જિદ, લાઉડસ્પીકરના ધ્વનિના નિયમનું પાલન થાય છે કે નહીં એ જોવાની જવાબદારી લોકલ પોલીસની રહેશે. લાઉડસ્પીકરમાંથી નીકળતો અવાજ ચેક કરવા માટે દરેક પોલીસ-સ્ટેશનમાં ધ્વનિ માપવાનાં મીટર આપવામાં આવ્યાં છે. કોઈ નિયમનો ભંગ કરતું હોય તો પહેલાં એની ફરિયાદ મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (MPCB)માં કરવી જોઈએ. બીજા તબક્કામાં જે ધાર્મિક સ્થળ સામે ફરિયાદ નોંધવામાં આવી હોય એને ફરી ક્યારેય લાઉડસ્પીકરની પરવાનગી આપવામાં નહીં આવે.’

ઉલ્લેખનીય છે કે ધાર્મિક સ્થળોમાં મોટા અવાજે લાઉડસ્પીકર વગાડવામાં આવે છે એ બાબતે અનેક ફરિયાદ કરવામાં આવતી હોવા છતાં મોટા ભાગે કોઈ કાર્યવાહી નથી થતી. આને કારણે ધાર્મિક સ્થળની નજીક રહેતા લોકોએ ધ્વનિપ્રદૂષણનો સામનો કરવો પડે છે.

maharashtra devendra fadnavis religion religious places mumbai news mumbai news