05 April, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર
જ્યારથી મહાયુતિની સરકાર પાછી આવી છે ત્યારથી અનેક વખત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સરકારના અમુક નિર્ણયોને લઈને આડકતરી રીતે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવે છે કે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે વચ્ચે જોઈએ એવું ટ્યુનિંગ નથી. ઘણા મહત્ત્વના નિર્ણયોથી તેમને દૂર રાખવામાં આવતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી રહી છે.
આ જ કારણસર એકનાથ શિંદેની નારાજગી દૂર કરવા માટે રાજ્ય સરકારે એક આદેશ બહાર પાડ્યો છે જે મુજબ હવે દરેક ફાઇલ મુખ્ય પ્રધાન પાસે મોકલતાં પહેલાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મોકલવાની રહેશે. અજિત પવાર નાયબ મુખ્ય પ્રધાનની સાથે ફાઇનૅન્સ મિનિસ્ટર હોવાથી અત્યાર સુધી દરેક ફાઇલ તેમની પાસેથી સીધી મુખ્ય પ્રધાનને મોકલવામાં આવતી હતી. આને લીધે એકનાથ શિંદેને સરકારમાં ઓછું મહત્ત્વ આપવામાં આવી રહ્યું હોવાનું કહેવાતું હતું, પણ હવે તેમની આ ફરિયાદ દૂર થઈ જશે. પૉલિટિકલ ઑબ્ઝર્વરોનું કહેવું છે કે ‘અજિત પવાર અને એકનાથ શિંદે વચ્ચે સમાનતા લાવવાની આ કોશિશ છે. નવો આદેશ બહાર પાડીને હવે એકનાથ શિંદેને સરકારમાં જરૂરી મહત્ત્વ આપવામાં આપવામાં આવ્યું છે.’
કયા નિર્ણયોને લઈને અંતર વધ્યું હતું?
રાજ્યના ૩૬ જિલ્લાઓના પાલક પ્રધાન નક્કી કરવામાં એકનાથ શિંદેની વાત માનવામાં નહોતી આવી અને એને લીધે જ નાયબ મુખ્ય પ્રધાનની નારાજગીને લીધે આજે પણ નાશિક અને રાયગડના પાલક પ્રધાનનું કોકડું હજી ગૂંચવાયેલું જ છે. ત્યાર બાદ એકનાથ શિંદે પોતાની પાર્ટીના નેતા અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)ના ચૅરમૅન બનાવવા માગતા હતા, પણ મુખ્ય પ્રધાને ઍડિશનલ ચીફ સેક્રેટરી સંજય સેઠીને ચૅરમૅન બનાવી દીધા હતા. એટલું જ નહીં, મહારાષ્ટ્ર સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી (SDMA)માંથી એકનાથ શિંદેનું નામ હટાવી દેવામાં આવ્યું હતું. જોકે આ બાબતે હોબાળો મચ્યા બાદ નિયમોમાં ફેરબદલ કરીને તેમને એમાં લેવામાં આવ્યા હતા.