મુંબઈની આર્થર રોડ જેલમાં ક્ષમતા કરતાં ત્રણગણા કેદીઓને ભરવામાં આવ્યા છે

12 July, 2025 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રની ૬૦ જેલોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો-વધારો કરીને કેદીઓને રાખવાની ક્ષમતા વધારવાની માહિતી મુખ્ય પ્રધાને આપી

દેવેન્દ્ર ફડણવીસ

રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં માહિતી આપી હતી કે મહારાષ્ટ્રમાં કુલ ૬૦ જેલ છે જેમાં અત્યારે ૩૯,૫૨૭ કેદીઓને રાખવામાં આવ્યા છે. આ આંકડો જેલોમાં કેદીઓને રાખવાની ક્ષમતા કરતાં ખૂબ મોટો છે. રાજ્યની જેલોમાં ૨૭,૧૮૪ કેદીઓને રાખવાની ક્ષમતા છે. એની સામે મે ૨૦૨૫ના આંકડા મુજબ ૩૯,૫૨૭ કેદીઓને જેલમાં રાખવામાં આવ્યા છે. એટલે કે રાજ્યની જેલ પાસે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવા છતાં વધારાના ૧૨,૩૪૩ કેદીઓને રાખવામાં આવ્યા છે. મુંબઈની સેન્ટ્રલ જેલમાં એટલે કે આર્થર રોડ જેલમાં ૯૯૯ કેદીઓને રાખવાની ક્ષમતાની સામે ત્રણગણા કેદીઓને ભરવામાં આવ્યા છે. મે મહિનાના આંકડા મુજબ મુંબઈની સેન્ટ્રલ જેલમાં ૩૨૬૮ કેદીઓને રાખવામાં આવ્યા છે.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘કેદીઓને સમાવવાની ક્ષમતા વધારવા માટે જમીન સંપાદન કરીને જેલનાં નવાં બિલ્ડિંગ બનાવવામાં આવશે. ઉપરાંત જેલોના અત્યારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરીને નવી બૅરેક બનાવવામાં આવશે, જેના પગલે રાજ્યભરની જેલોમાં વધુ ૧૭,૧૧૦ કેદીઓને સમાવી શકશે.’

કેદીઓને સહાય

કેદીઓના પુનરુત્થાન બાબતે દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાના ઉપલા ગૃહને જણાવ્યું હતું કે ‘ગરીબ કેદીઓને સહાય કરવાની યોજના હેઠળ આર્થિક રીતે પછાત વર્ગમાંથી આવતા કેદીઓને જામીન માટે કે દંડ ભરવા માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે. રાજ્યના ૬૦૦૩ કેદીઓ અભણ છે, જેમાંથી ૫૦૬૭ અન્ડરટ્રાયલ છે. આવા કેદીઓને અને એમાં પણ ખાસ કરીને ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના કેદીઓને વિવિધ બિનસરકારી સંગઠનો દ્વારા શિક્ષણ આપવાનું કામ પણ કરવામાં આવે છે.’

maharashtra maharashtra news news devendra fadnavis mumbai mumbai news arthur road jail political news