સરકારી હૉસ્પિટલમાંથી નવજાત શિશુઓની ચોરી અટકાવવા માટે રાજ્ય સરકારે ‘કોડ પિન્ક’ લાગુ કર્યો

15 July, 2025 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નવજાત શિશુ ગુમ થવાની ફરિયાદ મળતાં કોડ પિન્ક ઍક્ટિવેટ થશે. સૌપ્રથમ નર્સ તપાસ કરીને હેડ નર્સને બાળક ગુમ થયું હોવાની માહિતી આપશે

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રની સરકારી હૉસ્પિટલો અને મેડિકલ કૉલેજોમાંથી નવજાત શિશુઓની ચોરીના બનાવો અટકાવવા માટે ‘કોડ પિન્ક’ પ્રોટોકૉલ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. પ્રોટોકૉલ મુજબ હૉસ્પિટલના વિવિધ વિભાગો માટે ખાસ કરીને બાળકના જન્મ પછી ઉપયોગમાં લેવાતી રૂમ્સ માટે ગાઇડલાઇન્સ આપવામાં આવશે જેને ફૉલો કરીને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અથવા ડીન દર મહિને સિક્યૉરિટી-રિવ્યુનો રિપોર્ટ તેમ જ ક્વૉર્ટરલી રિપોર્ટ રજૂ કરશે.

મેડિકલ એજ્યુકેશન અને આયુષ મંત્રાલય દ્વારા આ પ્રોટોકૉલનો યોગ્ય અમલ થાય એનું ધ્યાન રાખવામાં આવશે. ઍન્ટિનેટલ ચેકઅપ્સ (ડિલિવરી પહેલાંનાં ચેકઅપ્સ), ડિલિવરી રૂમ્સ, ઑપરેટિંગ રૂમ્સ, પોસ્ટપાર્ટમ એટલે કે ડિલિવરી પછીના યુનિટ્સ અને નિયોનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટ એટલે કે નવજાત શિશુ માટેનું ICU જેવાં તમામ સ્થળોએ કોડ પિન્કની ગાઇડલાઇન્સ પ્રમાણે કામ કરવાનું રહેશે. જે હૉસ્પિટલોમાં એકસાથે વધુ ડિલિવરી થતી હોય એવી તમામ મોટી હૉસ્પિટલો આ પ્રોટોકૉલનું પાલન કરશે.

નવજાત શિશુ ગુમ થવાની ફરિયાદ મળતાં કોડ પિન્ક ઍક્ટિવેટ થશે. સૌપ્રથમ નર્સ તપાસ કરીને હેડ નર્સને બાળક ગુમ થયું હોવાની માહિતી આપશે. ત્યાર બાદ ડૉક્ટર્સ અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટને જાણ કરીને કોડ પિન્કનું નૉટિફિકેશન આપીને હૉસ્પિટલના તમામ કર્મચારીઓને જાણ કરવામાં આવશે. સિક્યૉરિટી સ્ટાફ શંકાસ્પદ લોકોની તપાસ કરશે, બૅગ અને વાહનોની પણ ચકાસણી થશે. નજીકના પોલીસ-સ્ટેશનમાં જાણ કરવામાં આવશે. કોડ પિન્ક બે કલાક સુધી અથવા બાળક નહીં મળે ત્યાં સુધી ઍક્ટિવ રહેશે, જ્યારે સિક્યૉરિટી સ્ટાફ કોડ પિન્ક ઑલ
ક્લિયર જાહેર કરશે ત્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે.

maharashtra maharashtra news news mumbai police mumbai news mumbai medical information crime news mumbai crime news