21 May, 2025 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુપ્રીમ કોર્ટે ૬ મેએ મહારાષ્ટ્રમાં લાંબા સમયથી અટવાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરીને ૪ મહિનામાં પૂરી કરવાનો નિર્દેશ રાજ્યના ઇલેક્શન કમિશનને આપ્યો હતો. આથી રાજ્યનું ઇલેક્શન કમિશન સક્રિય બન્યું છે અને વૉર્ડની રચના કરવાની શરૂઆત આરંભી દેવામાં આવી છે. આ વિશે મહારાષ્ટ્રના ઇલેક્શન કમિશનર દિનેશ વાઘમારેએ ગઈ કાલે મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા મુજબ અમે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. અત્યારે વૉર્ડની રચના કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામમાં ૭૦ દિવસ જેટલો સમય લાગશે. એ પછી વૉર્ડના રિઝર્વેશનનું કામ ૧૫ દિવસ ચાલશે. ત્યાર બાદ મતદારયાદી ૪૦ જેટલા દિવસમાં અપડેટ કરવામાં આવશે. આથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં જ થઈ શકશે, એ પહેલાં શક્ય નહીં બને. OBC આરક્ષણ, વૉર્ડની રચના, સભ્યોની સંખ્યામાં વધારો કરવા સહિતનાં કામ પેન્ડિંગ હોવાને લીધે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજી નથી શકાઈ. સુપ્રીમ કોર્ટે ૪ મહિનામાં ચૂંટણી યોજવાનું કહ્યું છે એટલે હવે ચૂંટણી યોજવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.’
ઉલ્લેખનીય છે કે મુંબઈ અને થાણે સહિત રાજ્યભરની ૨૯ મહાનગરપાલિકા, ૨૪૮ નગર પરિષદ, ૪૨ નગર પંચાયત, ૩૨ જિલ્લા પરિષદ અને ૩૩૬ પંચાયત સમિતિની ચૂંટણીની મુદત ત્રણથી પાંચ વર્ષ પહેલાં પૂરી થઈ ગઈ છે. આથી અહીં ઍડ્મિનિસ્ટ્રેટર દ્વારા કારભાર ચલાવવામાં આવી રહ્યો છે.