ભાજપના ટોચના ત્રણ નેતાએ દિલ્હીથી આદેશ આપ્યા બાદ અપસેટ ફડણવીસ તૈયાર થયા ડેપ્યુટી સીએમ બનવા

01 July, 2022 08:46 AM IST  |  Mumbai | Dharmendra Jore

એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનનું પદ આપવાની જાહેરાત ગઈ કાલે બપોરે દેવેન્દ્ર ફડણવીસે જ કરી હતી

ગઈ કાલે શપથવિધિ બાદ નવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને અભિનંદન આપી રહેલા ગવર્નર. એ સમયે દેવેન્દ્ર ફડણવીસના ચહેરાના ભાવ ઘણુંબધું કહી જતા હતા. (તસવીર : આશિષ રાજે)

બીજેપી મહારાષ્ટ્રની નવી સરકારનું નેતૃત્વ કરશે એવી અપેક્ષા હતી ત્યારે બીજેપીએ આખી ઘટનાને એક નાટકીય વળાંક આપતાં પક્ષના જ સભ્ય દેવેન્દ્ર ફડણવીસની સર્વસંમતિ ધરાવતા નેતાને મુખ્ય પ્રધાનપદે આરૂઢ કરવાના સ્થાને શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદે બેસાડ્યા હતા. જોકે દેવેન્દ્ર ફડણવીસને પછીથી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનવા માટે સહમત કરાયા હતા.

એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનનું પદ આપવાની જાહેરાત ગઈ કાલે બપોરે દેવેન્દ્ર ફડણવીસે જ કરી હતી. તેમણે કહ્યું હતું કે હું કૅબિનેટથી દૂર રહીશ. જોકે માત્ર બે જ કલાકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત બીજેપી હાઈ કમાન્ડે આ નિર્ણય બદલીને તેમને રાજ્ય તેમ જ પક્ષના હિત માટે શિંદેના ડેપ્યુટી બનવા જણાવ્યું હતું. સેનાના બળવાખોર નેતાઓ ગોવાથી મુંબઈ પાછા ફર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદે ગઈ કાલે બપોરે ગવર્નર ભગત સિંહ કોશ્યારીને મળ્યા હતા.

જેમ ​એકનાથ શિંદેનો બળવો નાટકીય હતો એમ દિવસના ઉત્તરાર્ધમાં આવેલો વળાંક પણ ઓછો નાટકીય નહોતો. દેવેન્દ્ર ફડણવીસે સત્તામાં ભાગીદાર થવાનો ઇનકાર કરતાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ દિલ્હીમાં કહ્યું કે પક્ષની કેન્દ્રીય કમિટીએ તેમને નાયબ મુખ્ય પ્રધાન બનવા જણાવ્યું છે. તેમણે ફડણવીસને અંગત રીતે પાર્ટી તથા રાજ્યની જનતાના હિતને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકારવા કહ્યું હતું. તેમની પાછળ તરત જ ગૃહપ્રધાન અમિત શાહે પણ ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકાર્યું હોવાની ટ્વીટ કરીને જણાવ્યું હતું. 
સૂત્રોએ જણાવ્યા અનુસાર ફડણવીસ રાજ્ય એકમના વડા બનવા માગતા હતા, પરંતુ પાર્ટી હાઈ કમાન્ડ તેમની સાથે સહમત નહોતા થયા. શિંદે અને ફડણવીસે તાજેતરમાં વડા પ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા દરબાર હૉલમાં શપથ ગ્રહણ કર્યા હતા, જ્યાં મંચ પર ફડણવીસની બેઠક બનાવવા માટે વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

વચન પાળ્યું : ફડણવીસ

દિવસની શરૂઆતમાં બે વાર મુખ્ય પ્રધાનપદ ગ્રહણ કરનારા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જો મહાવિકાસ આઘાડી (એમવીએ) નિષ્ફળ જશે તો બીજેપીએ વૈકલ્પિક સરકાર આપવાનું વચન આપ્યું હતું જે તેમણે પાળી બતાવ્યું છે. અમારે મધ્યવર્તી ચૂંટણી નથી કરવી પડી.’

મોટા ભાગના વિધાનસભ્યો ગઠબંધનની વિરુદ્ધ હોવા છતાં ઉદ્ધવ ઠાકરેએ કૉન્ગ્રેસ અને એનસીપી સાથે જોડાયેલા રહેવાનું પસંદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે સત્તા પાછળ નથી, પરંતુ જે લોકો સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેના હિન્દુત્વવાદને અનુસરે છે તેમની સાથે રહેવા માગીએ છીએ.

ફડણવીસે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનવાની સંમતિ આપ્યા બાદ તરત જ સોશ્યલ મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ભ્રષ્ટાચારી અને નિષ્ક્રિય એમવીએ સરકારમાં જે થયું એ અમે બદલીને રહીશું એની ખાતરી આપીએ છીએ. શિંદેના નેતૃત્વ હેઠળ મેટ્રો જેવા તમામ અટકેલા પ્રોજેક્ટ્સને વેગ મળશે અને નીતિગત નિર્ણયો એના તાર્કિક અંત સુધી પહોંચશે. હું એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે પાર્ટીના નિર્દેશોનું પાલન કરું છું. મારા માટે પાર્ટીના નિર્દેશો દરેક વસ્તુથી ઉપર છે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વને ટ્વીટ કરીને બિરદાવતાં કહ્યું હતું કે ‘તેમનો અનુભવ અને કુશળતા સરકાર માટે એક સંપત્તિ હશે. મને ખાતરી છે કે તેઓ મહારાષ્ટ્રના વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવશે.’

મને આવી આશા નહોતી : એકનાથ શિંદે

દેશની સૌથી મોટી પાર્ટી અને દેવેન્દ્ર ફડણવીસના હૃદયની વિશાળતાથી પ્રભાવિત થયેલા એકનાથ શિંદેએ કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેના અદના સૈનિક તરીકે મને મુખ્ય પ્રધાનપદ મળશે એવી આશા નહોતી. આ માટે શિંદેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ તથા દેવેન્દ્ર ફડણવીસનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારી સરકાર શક્તિશાળી હશે અને આપેલાં તમામ વચનોનું પાલન કરશે.

બિહાર પૅટર્ન

બિહારની જેમ જ મહારાષ્ટ્રમાં પણ બીજેપીએ વિધાનસભામાં તેમના કરતાં કદમાં ઘણા નાના જૂથને ટેકો આપવાનું પસંદ કર્યું છે. જોકે એમાં ઘણો ફરક છે. મહારાષ્ટ્રમાં એ સમાન વિચારધારા ધરાવતા જૂથને ટેકો આપી રહી છે, જ્યારે બિહારમાં વિરોધી વિચારધારાના પક્ષો સાથે મળીને પડકાર ઊભો કરે છે. 

mumbai mumbai news maharashtra indian politics bharatiya janata party devendra fadnavis narendra modi dharmendra jore