03 July, 2025 07:19 AM IST | Mumbai | Rohit Parikh
મીરા રોડમાં મીઠાઈના વેપારીની મારઝૂડ કરી રહેલા MNSના કાર્યકરો.
મહારાષ્ટ્રમાં જાતિ અને ભાષાના નામે થોડા સમયથી વારંવાર થઈ રહેલા હુમલાઓથી મુંબઈ અને મહારાષ્ટ્રના વેપારીઓ ભયના વાતાવરણમાં જીવી રહ્યા છે. આમ છતાં સરકાર મૂક પ્રેક્ષક બની જોઈ રહી છે જેની સામે વેપારી આલમમાં જબરદસ્ત આક્રોશ ફેલાયો છે. આ વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘ, કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ, ઑલ ઇન્ડિયા જ્વેલરી ઍન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશન અને ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ સમક્ષ માગણી કરવામાં આવી છે. એટલું જ નહીં, આ ઘટનાઓની ચિંતા વ્યક્ત કરતા પત્રો ગુજરાત અને રાજસ્થાનના વેપારીઓએ દરેક રાજ્યના મુખ્ય પ્રધાનને લખીને વેપારીઓની સલામતી માટે યોગ્ય પગલાં લેવા માટે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાનો અનુરોધ કર્યો છે.
અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (AIT)ના રાષ્ટ્રીય મંત્રી શંકર ઠક્કરે મહારાષ્ટ્રમાં વેપારીઓ પર વારંવાર થઈ રહેલા હુમલા વિશે ચિંતા વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં વેપારીઓને જાતિ અથવા ભાષાના નામે પરેશાન કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં એવી ઘટનાઓ બની છે જ્યાં બિન-મરાઠી નાગરિકો અને વેપારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટનાઓ સામાજિક સંવાદિતા અને કાયદો અને વ્યવસ્થા બન્ને માટે ચિંતાજનક છે. મહારાષ્ટ્રનાં મોટાં શહેરો-મુંબઈ, પુણે, નાશિક અને નાગપુર અને નાનાં ગામો અને નગરોમાં મોટી સંખ્યામાં બિન-મરાઠી વેપારીઓ છે. આવી સ્થિતિમાં તેમની વચ્ચે ભય અને અસુરક્ષાનું વાતાવરણ સર્જાયું છે જે આર્થિક પ્રવૃત્તિઓને પણ અસર કરી શકે છે.’
ઑલ ઇન્ડિયા જ્વેલરી ઍન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશન (AIJGF)ના રાષ્ટ્રીય મહાસચિવ નીતિન કેડિયાએ આ ઘટનાઓ સામે આક્રોશ વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તાજેતરના સમયમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સોનાની દુકાનોમાં લૂંટની ઘટના ઘટી રહી છે અને કેટલીક જગ્યાએ દાગીનાના વેપારીઓને ભાષા અને જાતિના નામે પરેશાન કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં મોટા રોકાણવાળી વસ્તુઓના વેપાર કરતા દાગીનાના વેપારીઓ પોતાને અસુરક્ષિત હોવાનું અનુભવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન જે ગૃહપ્રધાન પણ છે તેમને અમારું નમ્ર નિવેદન છે કે દાગીનાના વેપારીઓને સુરક્ષા પૂરી પાડે જેથી વેપારીઓ નિશ્ચિંત થઈને પોતાનો વેપાર કરી શકે.’
ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તાજેતરમાં સોશ્યલ મીડિયા અને ન્યુઝ-ચૅનલોમાં એવા કેટલાક ચોંકાવનારા વિડિયો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે કેટલાક રાજકીય પક્ષના કાર્યકરો દ્વારા ભાષાના બહાને દુકાનદારો અને કર્મચારીઓ પર મારપીટ અને અપમાનજનક વર્તન કરવામાં આવી રહ્યું છે. હું માનું છું કે મહારાષ્ટ્રમાં રહીને ખાસ કરીને મુંબઈમાં વ્યવસાય કરતા લોકો માટે મરાઠી ભાષા શીખવી અને બોલવી યોગ્ય અને આવશ્યક છે, પરંતુ આનો અર્થ એ નથી કે કોઈને પણ દુકાનદારોને ધમકાવવા, થપ્પડ મારવા કે ગાળો આપવાનો અધિકાર મળે. કોઈ પણ વ્યક્તિ કે પક્ષને કાયદો હાથમાં લેવાનો હક નથી. આ રાજ્ય અને અહીંના લોકો પ્રત્યેનો આદર દર્શાવવો જરૂરી છે. મહારાષ્ટ્ર હંમેશાંથી વિવિધતા, સંસ્કૃતિ અને વેપારનો સંગમ રહ્યું છે. અમને વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન આ બાબતને ગંભીરતાથી લેશે અને જરૂરી પગલાં લેશે. અમે આ મુદ્દે અવાજ ઉઠાવીને આ પ્રકારનાં હિંસાત્મક કૃત્યોનો કડક શબ્દોમાં વિરોધ કરીએ છીએ. દુકાનદારો શાંત, વ્યાવસાયિક અને કાયદાનું પાલન કરનાર નાગરિક છે. અમુક રાજકીય પક્ષો તેમના રાજકીય લાભ માટે દહેશત ફેલાવે એ સંપૂર્ણ નિંદનીય છે. એક સંસ્થાપ્રમુખ તરીકે હું ખૂબ આશ્ચર્યચકિત છું કે કાયદો અમલમાં મૂકનારી સંસ્થાઓ અને પોલીસ અત્યાર સુધી સામે ચાલીને પગલાં કેમ નથી લઈ રહી? સ્પષ્ટ વિડિયો-પુરાવા હોવા છતાં કોઈ કાર્યવાહી કેમ નથી?
વેપારીઓની શું છે માગણી?
શંકર ઠક્કર,નીતિન કેડિયા, વીરેન શાહ
ભાષાકીય/જાતીય ભેદભાવને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખનાર તત્ત્વો વિરુદ્ધ રાજ્ય સરકારે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવી જોઈએ.
રાજ્યનાં તમામ મુખ્ય બજારોમાં, ખાસ કરીને જ્યાં બિન-મરાઠી વેપારીઓ વધુ સક્રિય હોય ત્યાં સુરક્ષાવ્યવસ્થા મજબૂત કરવી જોઈએ.
માનનીય મુખ્ય પ્રધાને એક જાહેર સંદેશ આપવો જોઈએ કે રાજ્ય સરકાર તમામ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.
સોશ્યલ મીડિયાના તમામ વિડિયો આધારિત ઘટના પર તરત સામે ચાલીને ગુનો દાખલ કરે.
આવાં તત્ત્વોને સ્પષ્ટ સંદેશ આપે કે ભાષાના નામે મારપીટ સહન કરવામાં આવશે નહીં.
દુકાનદારો અને કર્મચારીઓનું રક્ષણ સુનિશ્ચિત કરે. જો સરકારના સ્તરે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવો ખોટો રિવાજ ઊભો થશે અને નિર્દોષ દુકાનદારો એનો ભોગ બનતા રહેશે. અમે ન્યાય, સલામતી અને કાયદાની યોગ્ય અમલીકરણની માગણી સાથે આ અવાજ ઉઠાવીએ છીએ.