24 November, 2026 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી ક્રિષ્ણકુમાર ગોડ
કાંદિવલી રેલવે-સ્ટેશન પર એક પાકિસ્તાની આતંકવાદી AK-47 રાઇફલ સાથે ખુલ્લેઆમ ફરી રહ્યો હોવાની ભ્રામક અફવા ફેલાવતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરનાર ૩૧ વર્ષના ક્રિષ્નકુમાર ગોડની બોરીવલી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ રવિવારે ધરપકડ કરી છે. ૧૫ નવેમ્બરની સાંજે ઇન્સ્ટાગ્રામ પર આ વિડિયો વાઇરલ થતાં તંત્રમાં ભારે દોડધામ અને હડકંપ મચી ગયો હતો.
બોરીવલી GRPનાં પોલીસ-ઇન્સ્પેક્ટર કાંતા ગાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૫ નવેમ્બરની સાંજે ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ કરાયેલા વિડિયોમાં ‘બ્રેકિંગ ન્યુઝ : કાંદિવલી સ્ટેશન પર પાકિસ્તાનનો આતંકી’ એવું લખાણ મૂકી સ્ટેશન પર અફરાતફરી મચી હોવાનો ભ્રમ ઊભો કરાયો હતો. સાઇબર સેલની મદદથી ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસના આધારે વિડિયો અપલોડ કરનાર ડિવાઇસની માહિતી મેળવી પોલીસે આરોપી ક્રિષ્નકુમાર ગોડને ઝડપી લીધો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તે એક કુરિયર કંપનીમાં નોકરી કરે છે અને તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનું અકાઉન્ટ બનાવ્યું હતું. પોતાના અકાઉન્ટ પર ફૉલોઅર્સ વધારવા માટે તેણે ગૂગલ પર સર્ચ કર્યું હતું, જ્યાં યુનિક કન્ટેન્ટ પોસ્ટ કરવાથી ફૉલોઅર્સ વધે છે અને આગળ જતાં કમાણી પણ થઈ શકે છે એવી માહિતી તેને મળી હતી. આ જ લાલચમાં આવીને તેણે AI ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને આ બોગસ વિડિયો બનાવીને વાઇરલ કર્યો હતો. તેને કોર્ટમાં હાજર કરતાં બે દિવસની
પોલીસ-કસ્ટડી અમને મળી છે.’