અમે ‘બાદ’ શબ્દથી પૂરાં થતાં તમામ નામ બદલીશું

10 April, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યના સામાજિક ન્યાયપ્રધાન સંજય શિરસાટે કહ્યું...

સંજય શિરસાટ

મોગલ શહેનશાહ ઔરંગઝેબની કબર જ્યાં આવેલી છે એ ખુલદાબાદનું નામ રતનપુર કરવાની માગણી રાજ્યના સામાજિક કલ્યાણપ્રધાન સંજય શિરસાટે કરી છે એની ટીકા થઈ રહી છે. આ વિશે સંજય શિરસાટે ગઈ કાલે મુંબઈમાં કહ્યું હતું કે ‘ભારતમાં રાજ કરવા આવેલા ઔરંગઝેબે અનેક સ્થળનાં નામ બદલ્યાં હતાં. અમારી સરકારે ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ અને ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર કર્યું. દૌલતાબાદ પહેલાં દેવગિરિ હતું. રતનપુરનું નામ ઔરંગઝેબે બદલીને ખુલદાબાદ કર્યું. અમે ‘બાદ’ શબ્દ સાથે પૂરાં થતાં બધાં નામ બદલીશું. વિરોધીઓ નામ બદલવાની મારી માગણીની ટીકા કરી રહ્યા છે. તેમને હું કહેવા માગું છું કે હું કોઈ નવી વાત નથી કરતો. અંગ્રેજોનું ભારતમાં શાસન હતું ત્યારે તેમણે ટૅક્સ નાખ્યો હતો એનો ઇતિહાસ જોઈએ તો રતનપુર અને દેવ‌ગિરિનો ઉલ્લેખ છે. ઔરંગઝેબના પ્રેમીઓએ આપણા ઇતિહાસને ભૂંસી નાખ્યો છે. તમે ઘણા ગામનાં નામ બદલીને આતંક ફેલાવ્યો. આ લોકો એ વાત ભૂલી ગયા છે. અમે મૂળ નામને ફરી સ્થાપિત કરવા માગીએ છીએ. હું મુખ્ય પ્રધાનને વિનંતી કરું છું કે આગામી સત્રમાં આ વિશે ચર્ચા કરીને નામ બદલવાના પ્રસ્તાવને મંજૂર કરવામાં આવે. મંજૂરી બાદ કેન્દ્ર સરકારની પરવાનગીથી નામ બદલવામાં આવશે.’

mumbai aurangzeb news mumbai news political news