03 July, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા રોડમાં મીઠાઈના વેપારીની મારઝૂડ કરી રહેલા MNSના કાર્યકરો.
મીરા રોડમાં બાલાજી હોટેલ નજીક આવેલી જોધપુર સ્વીટ્સ ઍન્ડ નમકીનના ૪૮ વર્ષના માલિક બાબુલાલ ચૌધરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ રવિવારે સાંજે મરાઠી ન બોલવાના મુદ્દે મારઝૂડ કરતાં સ્થાનિક મારવાડી સમુદાયના વેપારીઓ સહિત સ્થાનિક ધારાસભ્યએ જોરદાર વિરોધ કર્યો છે. આ મુદ્દે મારવાડી સમુદાયના વેપારીઓ વિરોધ નોંધાવવા એકાદ-બે દિવસમાં દુકાન બંધ રાખીને વિરોધ નોંધાવશે એટલું જ નહીં, રવિવારની ઘટના બાદ સોમવારે મારવાડી સમુદાયના સભ્યો ભેગા થઈ જતાં કાશીમીરા પોલીસે મીઠાઈના વેપારીની મારઝૂડ કરનાર MNSના ૭ કાર્યકરો સામે ફરિયાદ નોંધી છે.
બાબુલાલ ચૌધરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે રાતે સાડાદસ વાગ્યે ૭ અજાણ્યા યુવકો ગળામાં MNSનો ઝંડો પહેરીને મારી દુકાને આવ્યા હતા. તેમણે મારા કૅશિયર પાસેથી પાણીની બૉટલ માગી ત્યારે કૅશિયરે તેમને હિન્દીમાં પૂછ્યું હતું કે દસવાલા બૉટલ ચાહિએ કિ બીસવાલા. એ પછી એમાંથી એક જણે કૅશિયરને મરાઠી નથી આવડતું એવો સવાલ પૂછ્યો હતો. જોકે મારા કૅશિયરને મરાઠી વ્યવસ્થિત આવડતું ન હોવાથી MNSના કાર્યકરે મારા કૅશિયરને ગાળો ભાંડી હતી. એ ઉપરાંત બોલ્યા હતા કે તમને બધાને મારી-મારીને ભગાવીશું. એટલું સાંભળીને હું દુકાનની અંદર આવ્યો હતો. એ પછી તેમણે મારી સાથે દલીલ કરવાનું શરૂ કરીને મરાઠી ન બોલવાના મુદ્દે મારી મારઝૂડ કરી હતી જેમાં મને ગંભીર ઈજા થઈ છે. આ ઘટના બાદ મેં મારા મારવાડી સમુદાયના વેપારીને જાણ કરી હતી. આવતા એકાદ-બે દિવસમાં મીરા-ભાઈંદરના ગુજરાતી, મારવાડી અને જૈન વેપારીઓ દુકાન બંધ રાખીને વિરોધ-પ્રદર્શન કરીશું અને એ માટે લેખિત લેટર અમે આજે પોલીસ-સ્ટેશનને પણ આપીશું.’
મીરા-ભાઈંદરના સ્થાનિક ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મરાઠી ભાષા પર અમને ગર્વ છે, પણ માનવતાની મર્યાદાઓને અમે ભૂલતા નથી. મીરા રોડના એક મારવાડી સમુદાયના મીઠાઈના વેપારીને મરાઠીમાં વાત ન કરવા બદલ માર મારવામાં આવ્યો એ ઘટનાની હું ગંભીર શબ્દોમાં ટીકા કરું છું. મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા આપણી સંસ્કૃતિ અને ગૌરવનો ભાગ છે. મરાઠીનો પ્રચાર અને પ્રસાર જરૂરી છે; પરંતુ એ પ્રેમ, સમજ અને સહનશીલતા સાથે થવું જોઈએ એવી મારી સ્પષ્ટ ભૂમિકા છે. આ કૃત્યમાં જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે એવી મારી માગણી છે.’
કાશીમીરા પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતી અનુસાર મીઠાઈની દુકાનના વેપારીની મારઝૂડ કરવા અને ગાળો આપવા બદલ અમે ૭ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. આ મામલે CCTV કૅમેરાનાં ફુટેજની મદદથી આરોપીને ઓળખીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’