10 July, 2025 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય ગાયકવાડે MLA હૉસ્ટેલની કૅન્ટીનમાંથી મગાવેલું ભોજન ખરાબ નીકળતાં તેમણે કૅન્ટીનના મૅનેજરની મારપીટ કરી હતી.
એકનાથ શિંદેની શિવસેનાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે MLA હૉસ્ટેલની કૅન્ટીનમાંથી મગાવેલું ભોજન ખરાબ નીકળતાં તેમણે કૅન્ટીનના મૅનેજરની મારપીટ કરી હતી. મંગળવારે રાતે બનેલા આ બનાવના પડઘા બુધવારના વિધાનસભાના સત્રમાં પડ્યા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ કૃત્યને સત્તાનો દુરુપયોગ ગણાવીને કાઉન્સિલના ચૅરમૅન રામ શિંદેને તેમ જ સ્પીકર રાહુલ નાર્વેકરને યોગ્ય કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
ચર્ચગેટમાં આકાશવાણી MLA હૉસ્ટેલમાં રોકાયેલા બુલઢાણાના વિધાનસભ્ય સંજય ગાયકવાડે મંગળવારે રાતે કૅન્ટીનમાંથી જમવાનું મગાવ્યું હતું. દાળમાંથી વાસ આવતાં ગુસ્સે ભરાયેલા વિધાનસભ્ય કૅન્ટીનમાં પહોંચી ગયા હતા. તેમણે ત્યાં હાજર લોકોને દાળ સૂંઘવાનું કહ્યું હતું. બધાએ વાસ આવતી હોવાનું કહ્યું એ પછી તેમણે કૅન્ટીનના કર્મચારીઓ પાસે પણ ખરાઈ કરાવી હતી અને મૅનેજરને લાફા અને મુક્કા મારવા માંડ્યા હતા. આવા વાસી ભોજનનું બિલ ભરવાની પણ તેમણે ના પાડી હતી અને આ મુદ્દો સત્રમાં ઉઠાવવાની વાત પણ કરી હતી.
સંજય ગાયકવાડે જણાવ્યું હતું કે ‘હું છેલ્લાં ૩૦ વર્ષથી આ કૅન્ટીનમાં જમું છું અને સાડાપાંચ વર્ષથી અહીં રહું છું. કેટલીયે વાર અહીંના ભોજનની ગુણવત્તા સુધારવાનું કહ્યું છે. શાક બે-ચાર દિવસ વાસી હોય, નૉન-વેજ ૧૫ દિવસ વાસી હોય તથા કોઈના જમવામાંથી ગરોળી, ઉંદર અને દોરા જેવા કચરા પણ નીકળે છે. મેં પહેલો કોળિયો લીધો ત્યાં જ મને ઊલટી જેવું થયું હતું. ઝેર જેવું ભોજન પીરસીને લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવામાં આવે છે. અનેક વાર ધ્યાન દોરવા છતાં ઍક્શન નથી લેવાતી. જો તેઓ હિન્દીમાં ન સમજે, મરાઠીમાં ન સમજે, અંગ્રેજીમાં ન સમજે તો પછી હું મારી શિવસેનાની ભાષામાં સમજાવીશ.’
FDAની કાર્યવાહી : ટીમે નમૂના લીધા, ૧૪ દિવસમાં રિપોર્ટ આવશે
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ની ટીમે આકાશવાણી MLA હૉસ્ટેલની કૅન્ટીનમાંથી દરેક પ્રકારના ફૂડનાં સૅમ્પલ ભેગાં કર્યાં છે જેની તપાસનો રિપોર્ટ ૧૪ દિવસમાં આવશે. એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આવાં કામ કરીને વિધાનસભ્યો સત્તાનો દુરુપયોગ કરતા હોવાની છાપ પડે છે : દેવેન્દ્ર ફડણવીસ
બુધવારે વિધાનસભાના સત્ર દરમ્યાન શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે- UBT)ના વિધાનસભ્ય અનિલ પરબે આ મુદ્દો ઉપાડતાં કહ્યું હતું કે શાસક પક્ષના વિધાનસભ્ય દ્વારા આવું વર્તન મુખ્ય પ્રધાનની પ્રતિષ્ઠાને ખરડે છે. મુખ્ય પ્રધાને પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આવા કૃત્યને લીધે બધા જ વિધાનસભ્યો સત્તાનો દુરુપયોગ કરતા હોવાની છાપ પડે છે. જો કૅન્ટીનના ફૂડમાં ખામી જણાય તો એની ફરિયાદ કરીને કાર્યવાહી કરી શકાય છે.’
વિધાનસભ્યોના રહેવાની વ્યવસ્થા બાબતે કાઉન્સિલના ચૅરમૅન રામ શિંદેને તેમણે યોગ્ય કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. ઉપરાંત જનતાના પ્રતિનિધિ તરીકે મારપીટ કરીને જનતા સામે સારી છાપ ઊભી ન થતી હોવાનું કહીને મુખ્ય પ્રધાને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને સ્પીકર રાહુલ નાર્વેકરને આ ઘટનાની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવા કહ્યું હતું.
એકનાથ શિંદે મુખ્ય પ્રધાન ન બન્યા એટલે ફડણવીસને બદનામ કરવાનું કાવતરું રચ્યું છે : ઉદ્ધવ ઠાકરે
કૅન્ટીનમાં કરેલી મારપીટને વિધાનસભ્યે શિવસેના સ્ટાઇલમાં સમજાવ્યું હોવાનું કહેતાં ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટતા કરી હતી કે ‘આ શિવસેના સ્ટાઇલ નથી અને તે (સંજય ગાયકવાડ) શિવસૈનિક નથી. આ એક કાવતરું છે. એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેમને મુખ્ય પ્રધાન બનવું છે. મુખ્ય પ્રધાન બનવા નથી મળ્યું એટલે મુખ્ય પ્રધાનને બદનામ કરવાની તક શોધતા હતા. આ મામલે કડક કાર્યવાહી થવી જોઈએ. જો નહીં થાય તો હું માનીશ કે આ ઘટનાને મુખ્ય પ્રધાનનો ટેકો છે.’