10 July, 2025 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મધુકર પાંડે
મીરા રોડમાં મરાઠી એકીકરણ સમિતિ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) દ્વારા મંગળવારે આયોજિત મોરચાને પરવાનગી ન આપતાં મુશ્કેલીમાં મુકાયેલા મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ (MBVV)ના કમિશનર મધુકર પાંડેની ગઈ કાલે સાંજે અચાનક બદલી કરવામાં આવી હતી. તેમની જગ્યાએ સિનિયર ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) નિકેત કૌશિકને MBVVના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહ વિભાગે મધુકર પાંડેની ઍડિશનલ પોલીસ મહાનિર્દેશક (પ્રશાસન) પદે બદલી કરવાનો આદેશ જાહેર કર્યો હતો. હાલમાં ભ્રષ્ટાચારવિરોધી વિભાગમાં ઍડિશનલ પોલીસ મહાનિર્દેશક તરીકે ફરજ બજાવતા નિકેત કૌશિકને તેમના સ્થાને નિયુક્ત કરવામાં આવ્યા છે.
મધુકર પાંડેની બદલી શા માટે કરવામાં આવી?
મીરા ભાઈંદરમાં મરાઠી ન બોલવાના મુદ્દા પર MNS દ્વારા એક દુકાનદારને માર મારવાના વિરોધમાં ૩ જુલાઈએ મારવાડી સમુદાયથી જોડાયેલા વેપારીઓએ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસની ઑફિસ પર મોરચો કાઢ્યો હતો. એના જવાબમાં એકીકરણ સમિતિ અને MNSએ મંગળવારે મોરચાનું આયોજન કર્યું હતું. મંગળવારે મોરચો કાઢવાની પહેલાં જ પોલીસે MNSના મુખ્ય પદાધિકારીઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. એ જોતાં પોલીસના આ કાર્ય સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. એક તરફ બિનમરાઠી ભાષીઓએ પરવાનગી વિના મોરચો કાઢ્યો હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. બીજી તરફ મરાઠીભાષીઓને પરવાનગી નકારી કાઢવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, એવા આક્ષેપો થયા હતા કે પોલીસે કોઈ કારણ વગર મોરચાસ્થળે કેટલીક મહિલાઓને વૅનમાં બળજબરીથી બેસાડી હતી. ઉપરાંત પોલીસે બળપ્રયોગ કર્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે પણ પોલીસના વલણ પર આકરી પ્રતિક્રિયા આપી હતી. આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફરિયાદ કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને પોલીસ મહાનિદેશક પાસેથી રિપોર્ટ માગ્યો હતો. આ રિપોર્ટના આધારે ગઈ કાલે મધુકર પાંડેની બદલી કરવામાં આવી હોવાનું કહેવાય છે.