26 April, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહાવીરનગરમાં કેરી વેચી રહેલા ફેરિયાનું આધાર કાર્ડ ચેક કરી રહેલા MNSના પદાધિકારી યશવંત હાડગે.
કાશ્મીરમાં ટાઇટ સિક્યૉરિટી હોવા છતાં આતંકવાદીઓ ફરવાના ફેમસ સ્થળ બૈસરન વૅલીમા ઘૂસીને ટૂરિસ્ટોને મારી રહ્યા છે ત્યારે મુંબઈમાં બંગલાદેશીઓ ગેરકાયદે ઘૂસીને બનાવટી આધાર કાર્ડ બનાવી બેરોકટોક ધંધો કરી રહ્યા છે, જેનો પર્દાફાશ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ કર્યો છે. એથી તેમની સુરક્ષા જોખમાઈ રહી છે એવી ચિંતા કાંદિવલીના લોકો કરી રહ્યા છે.
કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં ગઈ કાલે MNSના કાર્યકરોને શંકા જતાં કેટલાક ફેરિયાઓની ચકાસણી કરતાં તેમના આધાર કાર્ડની વિગતો મૅચ નહોતી થઈ. એથી એ આધાર કાર્ડ બનાવટી હોવાનું જણાઈ આવતાં અને એ ફેરિયાઓ બંગલાદેશી હોવાની શંકા જતાં કાંદિવલી પોલીસને તેમની સોંપણી કરાઈ હતી. જોકે પાંચ-છ ફેરિયાઓ નાસી જવામાં સફળ રહ્યા હતા.
આ કાર્યવાહી વિશે માહિતી આપતાં MNSના ચારકોપના પદાધિકારી યશવંત હાડગેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘થોડા દિવસોથી મહાવીરનગરમાં કેરી અને તાડગોળા વેચવાવાળા નવા ફેરિયાઓ દેખાવા માંડ્યા હતા. અમને આ સંદર્ભે ફરિયાદ મળી હતી કે તે લોકો બંગલાદેશી રોહિંગ્યા મુસ્લિમો છે. તેમની પાસે એક જ આધાર કાર્ડ નંબર ધરાવતાં બેથી ત્રણ આધાર કાર્ડ હોય છે. એથી અમે પહેલાં તેમની સામાન્ય પૂછપરછ કરતાં તેઓ ઝારખંડના હોવાનું તેમણે જણાવ્યું હતું. એ પછી જ્યારે તેમનાં નામ પૂછ્યાં તો તે બંગ્લાદેશી મુસ્લિમ જેવા લાગ્યા એટલે તેમના પર શંકા જતાં અમે તેમનાં આધાર કાર્ડ જોવા માગ્યાં હતાં. આધાર કાર્ડની ઍપ પર આધાર કાર્ડ સ્કૅન કરી બેઝિક વિગતો ચેક કરી શકાય છે. કેટલાકનાં કાર્ડ સ્કૅન જ ન થયાં, જ્યારે કેટલાંકમાં આધાર કાર્ડનો નંબર સેમ હોય પણ ફોટો બીજાનો છે તો કેટલાંક આધાર કાર્ડ સેમ નંબર ધરાવે છે. એથી અમે તેમને પકડી રાખ્યા અને કાંદિવલી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રવીન્દ્ર અડાણેને ફોન કરીને બોલાવ્યા હતા. તેઓ પણ સ્પૉટ પર આવ્યા હતા. અમે એ ફેરિયાઓનાં આધાર કાર્ડ તેમને આપ્યાં હતાં અને ૮-૯ ફેરિયાઓની સોંપણી પણ પોલીસને કરી હતી. રવીન્દ્ર અડાણેએ અમને કહ્યું કે આ ફેરિયાઓનાં આધાર કાર્ડ અને આઇડેન્ટિટીની ચકાસણી અમે અમારી રીતે કરીશું. જોકે ચાર-પાંચ ફેરિયાઓ નાસી જવામાં પણ સફળ રહ્યા હતા. હવે આગળની કાર્યવાહી કાંદિવલી પોલીસ કરી રહી છે.’