કોવિડની નવી લહેરમાં ૬૦૦ કરતાં વધારે મહિલાઓ વાઇરસથી સંક્રમિત

16 January, 2022 11:00 AM IST  |  Mumbai | Somita Pal

તેમનામાં ચેપનાં લક્ષણો ઘણાં સામાન્ય છે તેમ જ રિકવરી રેટ પણ ઘણો ઊંચો છે

વાઇરસનો ચેપ લાગવાની શક્યતા વધુ હોવાથી સ્ત્રીરોગના નિષ્ણાતો સગર્ભા સ્ત્રીઓને રસી લેવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.

બીએમસી પાસેથી પ્રાપ્ત આંકડાકીય માહિતી મુજબ ત્રીજી લહેરમાં શહેરમાં ૬૦૦ કરતાં વધુ સગર્ભા મહિલાઓ વાઇરસથી સંક્રમિત થઈ છે. આમાંથી ૨૫૦ની સારવાર બીવાયએલ નાયર હૉસ્પિટલમાં કરવામાં આવી રહી છે, જ્યારે ૧૬૧ જેટલી મહિલાઓ કામા અને એડલૅબ્સમાં સારવાર મેળવી રહી છે. ત્રીજી લહેરમાં સંક્રમિત થનારી સગર્ભા મહિલાઓની સંખ્યા વધુ હોવા છતાં તેમનામાં ચેપનાં લક્ષણો ઘણાં સામાન્ય છે તેમ જ રિકવરી રેટ પણ ઘણો ઊંચો છે. 
વાડિયા મૅટરનિટી હૅસ્પિટલમાં કોવિડ-19ના નોડલ અધિકારી અને સ્ત્રીરોગ અને પ્રસૂતિશાસ્ત્ર વિભાગના અસોસિએટ પ્રોફેસર ડૉક્ટર અમોલ પવારે કહ્યું હતું કે  ‘ડિસેમ્બર ૨૦૨૧માં અચાનક વધારો નોંધાયો હતો. ઑક્ટોબર મહિના સુધી માત્ર છ સગર્ભા મહિલાઓને દાખલ કરવામાં આવી હતી. નવેમ્બરમાં ચાર પેશન્ટ હતી, જ્યારે ડિસેમ્બરમાં આ આંકડો વધીને ૨૦ અને જાન્યુઆરીમાં ૫૯ ઉપર પહોંચ્યો હતો. અમારી હૉસ્પિટલમાં અમે માત્ર આઠમા કે નવમા મહિનાની સગર્ભા મહિલાને જ દાખલ કરતા હતા તથા ચાર કે પાંચ દિવસમાં તેમને રજા આપી દેવામાં આવતી હતી. અમે સગર્ભા સ્ત્રીઓને રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. ચેપ લાગવાની સંભાવના વધુ હોવાને કારણે આ ત્રીજી લહેરમાં સગર્ભા મહિલાઓએ વધુ કાળજી રાખવાની આવશ્યકતા છે. સગર્ભાવસ્થામાં રોગપ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોવાથી સંક્રમણની શક્યતા વધુ હોવાથી વધુ સાવચેત રહેવાની જરૂર છે.’ 

mumbai mumbai news coronavirus covid19