16 April, 2025 07:29 AM IST | Mumbai | Jigisha Jain
રિધમ મામણિયા
વરલીમાં રહેતી ૧૩ વર્ષની રિધમ મામણિયાએ હાલમાં તાઇવાનના સીન્ચુમાં આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ ઓપનમાં સોલો ફ્રી ડાન્સ કૅડેટ ફીમેલ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને તેની પહેલી ઇન્ટરનૅશનલ જીત નોંધાવી છે. માર્ચના અંતમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ભારત સાથે ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, સાઉથ કોરિયા, જપાન, ઇટલી, સિંગાપોર અને તાઇવાન મળીને કુલ આઠ દેશોના રમતવીરોએ ભાગ લીધો હતો. ભારતમાંથી મુંબઈના બે મળીને કુલ ૧૫ રમતવીરો ત્યાં પહોંચ્યા હતા, જે બધામાં રિધમનો સ્કોર સૌથી વધુ હતો. અત્યાર સુધીમાં ૬ વાર નૅશનલ ચૅમ્પિયન બની ચૂકેલી રિધમની આ પહેલી ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટ હતી જેમાં જીત હાંસલ કરીને હવે રિધમ આગામી જુલાઈ મહિનામાં સાઉથ કોરિયામાં યોજાનારી વીસમી એશિયન રોલર સ્કેટિંગ સ્પર્ધા માટે સજ્જ થઈ રહી છે.
કચ્છી વીસા ઓસવાળ જૈન સમાજની આ દીકરીએ ૩ વર્ષની ઉંમરથી બેઝિક સ્કેટિંગ શીખવાનું શરૂ કર્યા પછી પાંચ જ વર્ષની નાની ઉંમરે રિધમ પચીસ ગાડીઓની નીચેથી સરળતાથી પસાર થઈ શકતી હતી. એ વિશે વાત કરતાં તેનાં મમ્મી ઊર્મિ મામણિયા કહે છે, ‘એ સમયે ટેક્નિકલ કારણોસર અમે એ રેકૉર્ડ નોંધાવી નહોતા શક્યા. ૭ વર્ષની ઉંમરથી તેણે પ્રબોધાન ઠાકરે ક્રીડા સંકુલ, અંધેરીમાં કોચ શ્રીમતી આદેશ સિંહ પાસે કોચિંગ શરૂ કર્યું. તે આઠ વર્ષની હતી જ્યારે તેણે નૅશનલ ટુર્નામેન્ટમાં પહેલી વાર ભાગ લીધો હતો. એ સમયે તેને કાંસ્ય પદક મળ્યો હતો. પરંતુ એ પછી સતત પાંચ વર્ષ તેણે સુવર્ણ પદક જ જીત્યો છે.’
ડિસેમ્બર મહિનામાં નૅશનલ ચૅમ્પિયનશિપ જીત્યાના બીજા દિવસથી જ રિધમે તેની પહેલી ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટની તૈયારી શરૂ કરી હતી. ક્રિસમસ વેકેશનમાં એક પણ દિવસ બ્રેક લીધા વગર ૧૨ દિવસની અંદર બે ડાન્સની કોરિયોગ્રાફી ફાઇનલ કરીને જાન્યુઆરીમાં સ્કૂલની પરીક્ષા વખતે પણ તેણે પ્રૅક્ટિસ ચાલુ જ રાખેલી. એ વિશે વાત કરતાં રિધમ કહે છે, ‘આ મારી પહેલી ઇન્ટરનૅશનલ લેવલની ગેમ હતી. મારી તૈયારીમાં હું એક પણ દિવસ ગુમાવી ન શકું, કોઈ કચાશ ન રાખી શકું એ નક્કી હતું.’
આંતરરાષ્ટ્રીય સ્તરની કૉમ્પિટિશનના અનુભવ વિશે જણાવતાં રિધમનાં મમ્મી ઊર્મિ મામણિયા કહે છે, ‘રિધમ જે પ્રકારનું સ્કેટિંગ કરે છે એ આર્ટિસ્ટિક સ્કેટિંગમાં જે પ્રકારની રિંક જોઈએ એ મુંબઈમાં કોઈ જગ્યાએ નથી. જેના પર પ્રૅક્ટિસ થાય એ લાકડાની એકદમ લીસી સપાટી હોય, જે ઓછામાં ઓછી ૨૪ મીટર બાય ૫૦ મીટરની હોવી જોઈએ. અત્યારે રિધમ જે જગ્યાએ શીખે છે એ પ્રબોધાન ઠાકરે ક્રીડા સંકુલના બેઝમેન્ટમાં કોટા સ્ટોનની સપાટી છે એટલે તેણે લાકડાની સપાટી પર પ્રૅક્ટિસ જ નહોતી કરી. તાઇવાન પહોંચ્યા ત્યારે તેના પહેલા રાઉન્ડમાં તે પોતાના સ્પર્ધકથી ફક્ત ૨.૫ પૉઇન્ટ્સથી આગળ નીકળી હતી કારણ કે એ સપાટી પર ડાન્સ કરવો તેના માટે થોડો અઘરો પડી રહ્યો હતો, પણ પહેલા રાઉન્ડમાં પ્રૅક્ટિસ કરીને તેને ફાવટ આવી ગઈ એટલે બીજા રાઉન્ડમાં તે સ્પર્ધક કરતાં ૨૫ પૉઇન્ટ આગળ હતી. એ અફસોસની વાત છે કે આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ છે. રિધમ જેવાં ઘણાં બાળકો છે જેને આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આગળ વધવામાં મદદરૂપ થઈ શકે એમ છે. બૅન્ગલોર જેવા શહેરમાં ફૅસિલિટી છે. મુંબઈનાં બાળકો પણ એ ડિઝર્વ કરે છે.’
નાની ઉંમરે એવરેસ્ટ બેઝ કૅમ્પ
૧૦ વર્ષની ઉંમરે રિધમ સૌથી નાની ઉંમરની વ્યક્તિ બની હતી જેણે એવરેસ્ટ બેઝ કૅમ્પ સર કર્યો હતો. એ સમયે પર્વતારોહણનો શોખ ધરાવનારાં તેનાં મમ્મી-પપ્પા ઊર્મિ-હર્ષલ બન્ને એવરેસ્ટ બેઝ કૅમ્પ જવાનાં હતાં ત્યારે રિધમે પણ રસ દાખવ્યો. પોતાના સ્પોર્ટ્સ બૅકગ્રાઉન્ડને કારણે સરળતાથી એવરેસ્ટ બેઝ કૅમ્પ તેણે સર કરી લીધેલો.
આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ એટલે શું?
આ એક પ્રકારની સ્પર્ધાત્મક રમત ગણાય છે. પગમાં રોલર સ્કેટ્સ પહેરીને અલગ-અલગ ઍક્રોબૅટિક મુદ્રાઓ જેમ કે કૂદકો મારીને કે ગોળ ફરીને કોઈ નિશ્ચિત કરેલા સંગીત પર કોરિયોગ્રાફી દ્વારા એક પ્રકારનો પર્ફોર્મન્સ આપવામાં આવે છે જેના ઘણા જુદા-જુદા પ્રકાર છે... દા.ત. ફ્રી સ્કેટિંગ, કપલ્સ કમ્પલ્સરી ડાન્સ, ક્લબ શો વગેરે; રિધમે જેમાં મેડલ મેળવ્યો છે એ છે સોલો ડાન્સ.