01 July, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સ્કૅનિંગ મશીન અને કૅશ ડિપોઝિટ મશીનમાં આસાનીથી પાસ થતી ૫૦૦ રૂપિયાની નકલી નોટો છાપતા અને ડિસ્ટ્રિબ્યુટ કરતા અંકિત પરાશર અને શમા લતીફની કાલાચૌકી પોલીસે રે રોડ સ્ટેશન નજીક શનિવારે મોડી રાતે છટકું ગોઠવીને ધરપકડ કરી હતી. આરોપીઓ એક લાખ રૂપિયાની બદલીમાં પાંચ લાખ રૂપિયાની નકલી નોટો આપતા હોવાની બાતમી મળતાં પોલીસે પ્રાથમિક તપાસ બાદ ચાર ટીમ બનાવીને આરોપીઓને પકડવા માટે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. એ દરમ્યાન બોગસ ગ્રાહક ઊભો કરીને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી ૨૫ લાખ રૂપિયાની ૫૦૦ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી.
૫૦૦ રૂપિયાની નકલી નોટો એટલી ઝીણવટથી છાપવામાં આવતી હતી કે સામાન્ય માણસ માટે એને ઓળખવી મુશ્કેલ હતી એટલું જ નહીં, બૅન્કના સ્કૅનિંગ મશીન અને કૅશ ડિપોઝિટ મશીનમાં પણ આ નોટો આસાનીથી જતી હતી એમ જણાવતાં કાલાચૌકી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા એક ગુપ્ત બાતમીદારને આરોપી અંગે માહિતી મળી હતી જેની જાણકારી અમને મળતાં અમે તાત્કાલિક આરોપીને પકડવા માટે ટીમ તૈયાર કરી હતી. શરૂઆતમાં આરોપીને પકડવા માટે અમે એક બોગસ ગ્રાહક ઊભો કર્યો હતો. તેણે બેથી ત્રણ દિવસ આરોપી સાથે વાત કરીને તેને વિશ્વાસમાં લીધો હતો. ત્યાર બાદ આરોપી એક લાખ રૂપિયાની ઓરિજિનલ નોટો સામે પાંચ લાખ રૂપિયાની નકલી નોટો આપવા તૈયાર થયો હતો. એ મુજબ શનિવારે મોડી રાતે રે રોડ સ્ટેશન નજીક મળવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાંથી અમે અંકિત પરાશરની ધરપકડ કરી હતી. તેની પાસેથી માહિતી લઈને આ નોટ જ્યાં છાપવામાં આવી હતી ત્યાં જઈને શમા લતીફની ધરપકડ કરી હતી. આ કેસમાં અન્ય આરોપી હોવાની પણ શક્યતા છે. આ કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’