09 April, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીરનો ૧૦ એપ્રિલે ૨૫૫૧મો જન્મકલ્યાણક દિવસ છે ત્યારે રાજ્યનાં તમામ કતલખાનાં, માંસ-માછલી-મરઘીની દુકાનો બંધ રાખવા માટેની માગણી જૈનો દ્વારા કરવામાં આવી છે. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ વિશે એક પત્ર લખીને મહાવીર જન્મકલ્યાણક દિવસે અહિંસા શા માટે જરૂરી છે એની માહિતી આપી છે. આ ઉપરાંત વધુમાં વધુ જૈનો સરકારને અપીલ કરી શકે એ માટે મુખ્ય પ્રધાનને ઈ-મેઇલ કરવાની શરૂઆત કરવામાં આવી છે.
વિવિધ જૈન સંગઠનોએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ઈ-મેઇલ કરીને અર્જન્ટ અપીલ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. આ અપીલમાં પણ મહાવીર જન્મકલ્યાણકના દિવસે રાજ્યભરમાં કોઈ પણ પ્રાણી કે પશુની હત્યા ન થાય એ માટે તમામ પ્રકારનાં કતલખાનાં અને માંસ-મટન-માછલી વેચતી દુકાન બંધ રાખવાનો આદેશ આપવાની માગણી કરવામાં આવી છે. વધુમાં વધુ જૈનોને આ બાબતે સરકારને ઈ-મેઇલ કરવાની અપીલ કરવામાં આવી છે.
આ સિવાય શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ‘વિશ્વભરમાં મહાવીર પ્રભુના જન્મકલ્યાણકને અનેરા ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવે છે. આજે જ્યારે ગૃહયુદ્ધ, વિશ્વયુદ્ધ, ગરીબી, બેરોજગારી અને મોંઘવારીની સમસ્યા આખી દુનિયામાં પ્રવર્તી રહી છે ત્યારે વિશ્વમાં અહિંસા અને શાંતિનો સંદેશ આપનારા પ્રભુના જન્મકલ્યાણકની આરાધના અને ઉજવણી સમગ્ર વિશ્વમાં દયા અને કરુણાનો સંદેશ ફેલાવશે. આ દિવસે કતલખાનાં, માંસ-માછલી અને મરઘીના વેચાણની દુકાનો બંધ રાખવા માટેનો આદેશ બહાર પાડવાની વિનંતી છે.’