09 November, 2026 12:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
Mumbai Local Train Services Disrupted: અઠવાડિયાના પહેલા દિવસે સવારસવારે મુંબઈ લોકલના કમ્યુટર્સના બેહાલ થયા હતા. વેસ્ટર્ન રેલવેના નાલાસોપારા અને વિરાર સ્ટેશન વચ્ચે સિગ્નલ સિસ્ટમમાં અચાનક ટેકનિકલ ફોલ્ટ થયો હતો. પરિણામે લોકલ ટ્રેનો ખોરવાઇ જતાં કામ માટે અથવા ફરવા નીકળેલા મુંબઈગરાઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
પ્રાપ્ત અહેવાલો અનુસાર ગઇકાલે રવિવારે ફટાકડાને કારણે રેલવેના સિગ્નલ વાયરિંગમાં આગ લાગી હતી પરિણામે ચર્ચગેટની દિશામાં જઇ રહેલી તમામ લોકલ ટ્રેનો ૪૦થી ૪૫ મિનિટ મોડી પડી હતી. આ કારણોસર આજે સવારે રેલવે સ્ટેશનો પર ભારે ભીડ થઈ હતી.
ગઇકાલે રાત્રે ૧૧.૨૦ વાગ્યે સિગ્નલ વાયરિંગમાં આગ લાગી હોવાનું (Mumbai Local Train Services Disrupted) જાણવા મળ્યું હતું. ત્યારબાદ રાત્રે ૧૧.૫૦ સુધીમાં આગ પર અંકુશ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગ ફટાકડાના કારણે લાગી હોઇ શકે છે એવી શંકા રેલવેઅધિકારીઓએ વ્યક્ત કરી હતી. જોકે આ આગ કયા કારણોસર લાગી છે તેની હજી પુષ્ટિ થઈ શકી નથી. પ્રાથમિક માહિતી પ્રણામે આ ઘટનામાં અન્ડર-ગ્રાઉન્ડ કૅબલને નુકસાન પહોંચ્યું હતું. આગને લીધે સિગ્નલિંગ સાધનોને અસર થઈ હતી. જેનાથી મોટાભાગની ટ્રેકસર્કિટ ફેઇલ થઈ હતી. પરિણામે, કેટલાક ઇન્ડિકેટર્સ પણ અપડેટ્સ બરાબર પ્રદર્શિત કરી શક્યા નહોતા. જેના કારણે કમ્યુટર્સને ટ્રેનોના અપડેટ્સ પણ પ્રોપર મળી શક્યા નહોતા.
સિગ્નલ ફેઇલ (Mumbai Local Train Services Disrupted) થવાને કારણે લોકલ ટ્રેનો અને કેટલીક લાંબા અંતરની ટ્રેનો મોડી પડી રહી છે. સવારસવારે પીક અવર્સમાં જ આ વિક્ષેપ થવાને કારણે કામ માટે મુંબઈ તરફ જતા હજારો કમ્યુટર્સને હાલાકી ભોગવવાનો વખત આવ્યો હતો. સોમવારે સવારના પીક અવર્સમાં વિરાર, નાલાસોપારા, વસઈ, ભાયંદર અને બોરીવલી સ્ટેશનો પર કમ્યુટર્સની ગિરદી જોવા મળી હતી. પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. લોકલ ટ્રેનો ૪૦ થી ૪૫ મિનિટ મોડી હોવાને લીધે ઘણા સ્ટેશનો પર મુસાફરોને ટ્રેનમાં ચડવા માટે પણ હાલાકી થઈ હતી.
અહેવાલો અનુસાર રેલવેતંત્ર દ્વારા હાલમાં બગડી ગયેલા અન્ડર ગ્રાઉન્ડ કૅબલ અને સિગ્નલિંગ સાધનોની મરમ્મત ચાલી રહી છે. પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને વહેલી તકે ફરીથી લોકલ સેવાઓ રાબેતા મુજબ દોડશે તેવી ખાતરી રેલવેવિભાગે આપી છે.
પશ્ચિમ રેલ્વે પાસેથી મળતી માહિતી અનુસાર ગઇકાલે રવિવારે રાત્રે લગભગ ૧૧.૨૦ વાગ્યે નાલાસોપારાથી વિરારની વચ્ચે અપ લોકલ અને ડાઉન થ્રુ લાઇનને અડીને આવેલા ટ્રેક પર અચાનક આગ ફાટી (Mumbai Local Train Services Disrupted) નીકળી હતી. રેલવે અધિકારીઓએ રાત્રે ૧૧.૫૦ વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.