૧ કરોડ રૂપિયા મેળવવા કિડની વેચવા તૈયાર થયો, પણ ઑનલાઇન સ્કૅમમાં ઘરના ૨.૯૫ લાખ રૂપિયા ગુમાવ્યા

21 July, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકો પાસેથી ઉધાર લઈને તેણે આ રકમ ચૂકવી પછી સ્કૅમરનો મોબાઇલ બંધ આવતાં તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે ચીટિંગ થઈ છે. દહિસર પોલીસે સાઇબર ફ્રૉડનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

પ્રશાંત નાગવેકર

સ્કૅમર્સ ઑનલાઇન સ્કૅમ કરવાના નવા-નવા પેંતરા શોધી કાઢે છે અને એમાં ફસાઈને લોકો રૂપિયા સ્કૅમરને આપી દેતા હોય છે. આવા જ એક બનાવમાં પૈસાની જરૂર હોવાથી હૉસ્પિટલમાં ઑનલાઇન કિડની વેચવા તૈયાર થયેલી દહિસરની એક વ્યક્તિએ ૨.૯૫ લાખ રૂપિયા ગુમાવ્યા હતા.

અંધેરીની એક પ્રાઇવેટ ફર્મમાં ઑફિસ-હેલ્પ તરીકે કામ કરતા પ્રશાંત નાગવેકરને માથે દેવું વધતું જતું હતું. એવામાં તેને ઑનલાઇન જાહેરાત દ્વારા ખબર પડી કે નવી દિલ્હીની સહ્યાદ્રિ હૉસ્પિટલમાં કિડની ખરીદવામાં આવે છે. તેણે જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરતાં જાણ થઈ કે એક કિડની માટે તેને ૧ કરોડ રૂપિયા આપવામાં આવશે. ત્યાર બાદ તેને બ્લડ-ગ્રુપ, ઉંમર જેવી સામાન્ય માહિતી આપવા માટેની ઈ-મેઇલ આવી હતી. સાથે જ એમાં આ પ્રોસીજર માટે તેણે ૨.૯૫ લાખ ભરવાના રહેશે એમ જણાવાયું હતું. આ રકમ કિડની-ડોનેશન પછી તરત જ તેના ખાતામાં પરત કરવામાં આવશે એમ પણ કહેવામાં આવ્યું હતું. લોકો પાસેથી ઉધાર લઈને તેણે આ રકમ ચૂકવી પછી સ્કૅમરનો મોબાઇલ બંધ આવતાં તેને ખ્યાલ આવ્યો કે તેની સાથે ચીટિંગ થઈ છે. દહિસર પોલીસે સાઇબર ફ્રૉડનો કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

andheri cyber crime Crime News mumbai crime news mumbai police news mumbai mumbai news dahisar