05 April, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિશ્નોઈ ગૅન્ગ, સલમાન ખાન
મુંબઈ પોલીસના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલના ઑફિસરોએ શનિવારે અંધેરીમાંથી પાંચ ગુંડાઓને ૭ પિસ્ટલ અને ૨૧ બુલેટ સાથે ઝડપી લીધા હતા. આ પાંચે આરોપીઓની અંધેરીની પ્લૅટિનમ હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં તેઓ બિશ્નોઈ ગૅન્ગના સભ્યો હોવાનું બહાર આવ્યું છે. એક ઉદ્યોગપતિની હત્યા કરવાના આરોપસર પોલીસે પાંચેય આરોપીને પકડ્યા છે, પણ તેમને એવી શંકા છે કે આ લોકો બિશ્નોઈ ગૅન્ગના સભ્યો હોવાથી સલમાન ખાનને પણ ટાર્ગેટ તો નહોતા કરવાનાને? કારણ કે સલમાન ખાન પહેલેથી જ તેમના હિટ-લિસ્ટમાં છે. પોલીસ અત્યારે આ ઍન્ગલથી પણ તપાસ કરી રહી છે.
ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ કહ્યું હતું કે ‘ગયા અઠવાડિયે જ રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ના પ્રીમિયર વખતે તેના પર હુમલો કરવાનો આ લોકોનો પ્લાન હતો, પણ કોઈ કારણસર એમાં તેમને સફળતા નહોતી મળી. આ વાતમાં કેટલું તથ્ય છે એની તપાસ ચાલી રહી છે.’
આરોપી સુમિતકુમાર દિલાવર, શ્રેયાંશ યાદવ, દેવેન્દ્ર સક્સેના, વિવેક સહા અને વિકાસ ઠાકુર હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહારથી મુંબઈ આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યા મુજબ બધા જ આરોપીઓ બાવીસથી ૨૭ વર્ષના એજ-ગ્રુપના છે. સુમિતકુમાર સામે આ પહેલાં ગોળીબાર કરવો અને હત્યાનો પ્રયાસ કરવો જેવા ગંભીર ગુના નોંધાયેલા છે, જ્યારે વિકાસ ઠાકુર પણ ગુનેગારીનો ભૂતકાળ ધરાવતો હોવાનું તપાસમાં જણાઈ આવ્યું છે.
સલમાન ખાનના ઘર પર આ પહેલાં બિશ્નોઈ ગૅન્ગ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એ પછી સલમાનની નજીકના મિત્ર અને રાજકારણી બાબા સિદ્દીકીની બિશ્નોઈ ગૅન્ગના સભ્યોએ હત્યા કરી હતી.