22 May, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદિવલી-ઈસ્ટમાં કૅમેરામાં ઝિલાઈ ગયેલી વીજળી. તસવીર : સતેજ શિંદે
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈ કાલે મોડી સાંજે વીજળીના કડાકાભડાકા સાથે સારોએવો વરસાદ પડતાં મુંબઈગરાઓએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. હવામાન વિભાગે આજથી ચાર દિવસ એટલે કે ૨૪ મે સુધી હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને યલો અલર્ટ જાહેર કરી છે.
હવામાન વિભાગનાં અધિકારી શુભાંગી ભુતેએ કહ્યું હતું કે ‘ઈસ્ટ-સેન્ટ્રલ અરબી સમુદ્ર પર વાવાઝોડાનું નિર્માણ થઈ રહ્યું છે જેને પગલે મુંબઈ અને આસપાસના વિસ્તારો સહિત મહારાષ્ટ્રના કોકણ વગેરે ભાગમાં જોરદાર પવન સાથે હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. હવાની ગતિ ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. ચોમાસા પહેલાંના વરસાદના માહોલમાં ગમે ત્યારે વરસાદ શરૂ થઈ શકે છે એટલે છત્રી કે રેઇનકોટ વિના ઘરમાંથી બહાર ન નીકળવું.
ગઈ કાલે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કાંદિવલી-ઈસ્ટનો વરસાદનો નજારો. તસવીર : સતેશ શિંદે
મુંબઈમાં નોંધપાત્ર વરસાદ
ગઈ કાલે મોડી સાંજે મુંબઈમાં કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન સબર્બ્સમાં જોગેશ્વરીમાં ૬૩, અંધેરીમાં ૫૭, જુહુમાં ૨૩, સાંતાક્રુઝમાં ૨૩, વિલે પાર્લેમાં ૨૧ તો દિંડોશીમાં ૧૮ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. આવી જ રીતે ઈસ્ટર્ન સબર્બ્સમાં પવઈમાં ૩૮, ભાંડુપમાં ૨૯ અને વિક્રોલીમાં ૨૩ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કાંદિવલી, બોરીવલી, ઘાટકોપર, મુલુંડ અને મીરા ભાઈંદર સહિતના ભાગોમાં પણ વરસાદ પડ્યો હતો.
કોંકણ રેલવેમાં લૅન્ડસ્લાઇડ
કોંકણના રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લામાં ગઈ કાલે ભારે વરસાદ પડવાથી કોંકણ રેલવેના વેરવલી-વિલવડે સ્ટેશન વચ્ચેના ભાગમાં પહાડ પરથી મોટા પથ્થર અને માટી ટ્રૅક પર ધસી આવતાં ટ્રેનવ્યવહાર ખોરવાયો હતો.
પુણેમાં ભારે વરસાદ
પુણેમાં ગઈ કાલે સાંજે જોરદાર વરસાદ પડતાં રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે જોરદાર હવાને કારણે એક મોટું હોર્ડિંગ તૂટી પડ્યું હતું. ઓછા સમયમાં ભારે વરસાદ થવાથી વહેતા થયેલા પાણીમાં રસ્તામાં ઊભાં રાખવામાં આવેલાં બે સ્કૂટર તણાઈ ગયાં હોવાનો વિડિયો વાઇરલ થયો હતો.