મુંબઈમાં મહિલાઓએ કાઢી સિંદૂર યાત્રા

21 May, 2025 07:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીન અને ટર્કીની વસ્તુઓના બહિષ્કારની પ્રતિજ્ઞા લીધી

ગ્રાન્ટ રોડના મણિભવનથી ગિરગામ સુધી ગઈ કાલે મહિલાઓની સિંદૂર યાત્રા કાઢવામાં આવી હતી.

તિરંગા યાત્રા બાદ ગઈ કાલે મુંબઈમાં પહેલી વખત મહિલાઓએ સિંદૂર યાત્રા કાઢી હતી જેમાં ૧૫૦૦થી વધુ મહિલા સામેલ થઈ હતી. શહીદ કૅપ્ટન વિનાયક ગોરેનાં વીરમાતા અનુરાધા ગોરે અને વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાનાં પત્ની અને સામાજિક કાર્યકર ડૉ. મંજુ લોઢાની આગેવાનીમાં ગિરગામમાં કાઢવામાં આવેલી સિંદૂર યાત્રામાં સામેલ થયેલી મહિલાઓએ ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં પાકિસ્તાનને સાથ અપનારા ચીન અને ટર્કીના સામાનનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ગ્રાન્ટ રોડમાં નાના ચોક પર આવેલા મણિભવન ચોક અને કિલાચંદ ઉદ્યાન સુધીની સિંદૂર યાત્રામાં સામેલ થનારા લોકોએ દેશભક્તિના નારા લગાવ્યા હતા.

વીરમાતા અનુરાધા ગોરેએ કહ્યું હતું કે ‘શહીદોનું બલિદાન ક્યારેય વ્યર્થ જતું નથી. શહીદોના બલિદાનથી ઘણા વીરોનું નિર્માણ થાય છે. ભારત વીરોની ભૂમિ છે અને મહિલાશક્તિએ હંમેશાં તેમની પડખે ઊભા રહેવું જોઈએ.’

ડૉ. મંજુ લોઢાએ કહ્યું કે ‘ભારતીયો તેમની સેનાને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ એટલું પૂરતું નથી. દરેક નાગરિકે વર્ષમાં એક તહેવાર સૈનિકોના ઘરે તેમના પરિવારો સાથે ઊજવવો જોઈએ. આનાથી સરહદ પર તહેનાત સૈનિકોનો આત્મવિશ્વાસ વધશે.’

કૅબિનેટ પ્રધાન મંગલ પ્રભાત લોઢાએ પણ આ સિંદૂર યાત્રામાં ભાગ લીધો હતો અને બહાદુર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સૈનિકોના પરિવારો, ભૂતપૂર્વ સૈનિકો, સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ, મરાઠી ફિલ્મઉદ્યોગના કલાકારો અને વિવિધ વય જૂથોની મહિલાઓએ એમાં ભાગ લીધો હતો.

mumbai operation sindoor girgaon grant road indian army indian air force indian navy indian government news mumbai news ind pak tension china turkey