22 March, 2025 02:19 PM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે નાગપુરના હંસપુરી વિસ્તારમાં કરફ્યુ દરમ્યાન પૅટ્રોલિંગ કરતી પોલીસ.
નાગપુર હિંસાચારની તપાસ કરી રહેલી પોલીસને એવું હતું કે આ ઘટનાનો માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાન છે અને તેણે જ ટોળાને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. જોકે તપાસ દરમ્યાન હવે નવી-નવી માહિતીઓ બહાર આવી રહી છે. નાગપુર સાઇબર સેલની ટીમે સેંકડો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સ્નૅપચૅટ અકાઉન્ટ તપાસ્યાં હતાં એમાં તેમને ૧૪૦થી વધારે વાંધાજનક કન્ટેન્ટ મળી આવી હતી. જોકે એમાં ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટ સૌથી ચોંકાવનારી હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે સોમવારે જે હિંસા થઈ હતી એ તો નાની ઘટના હતી, ભવિષ્યમાં મોટાં રમખાણો થશે. સાઇબર પોલીસે તપાસ કરી તો ખબર પડી કે ફેસબુકનું આ અકાઉન્ટ બંગલાદેશથી ઑપરેટ થાય છે. હવે તેઓ નાગપુરની હિંસામાં બંગલાદેશનો કોઈ રોલ હતો કે નહીં એની તપાસ કરી રહ્યા છે.
સોમવારે હિંસા થઈ એ પહેલાં આવી બીજી કોઈ પોસ્ટ કરીને લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા કે નહીં એની તપાસ પણ નાગપુર પોલીસ કરી રહી છે. બંગલાદેશનો ઍન્ગલ આવ્યા બાદ આ કેસની નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ સમાંતર તપાસ કરી રહી છે.
નાગપુરમાં થયેલા હિંસાચાર બાદ ગઈ કાલે સ્થાનિક મુસ્લિમ નેતાઓએ એક પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી જેમાં તેમણે બન્ને બાજુના પ્રતિનિધિઓને મુખ્ય પ્રધાને મળવું જોઈએ એવી માગણીની સાથે આ કેસની નિષ્પક્ષ તપાસની પણ ડિમાન્ડ કરી હતી. આ સિવાય તેમણે જે નિર્દોષ લોકોને પકડવામાં આવ્યા છે તેમને છોડી મૂકવાની પણ વાત કરી હતી. પોલીસે સમયસર ઍક્શન લીધી હોત તો આ ઘટના બની ન હોત એવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
ઔરંગઝેબની કબરને મેટલની શીટથી કરવામાં આવી કવર
છત્રપતિ સંભાજીનગરથી ૩૦ કિલોમીટરના અંતરે આવેલા ખુલદાબાદમાં આવેલી ઔરંગઝેબની કબરને હટાવવાની માગણી થઈ રહી હોવાથી એની સુરક્ષા માટે પોલીસે પહેરો તો વધારી દીધો છે, પણ આ બધા વચ્ચે આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI)એ કબરને મેટલની શીટથી કવર કરીને એના પર સફેદ રંગ કરી નાખ્યો છે.