06 July, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નિતેશ રાણે ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
મહારાષ્ટ્રમાં, લગભગ બે દાયકા પછી રાજ અને ઉદ્ધવ ઠાકરે એક મંચ પર સાથે દેખાયા. બંને નેતાઓના એકસાથે આવ્યા બાદ રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે. ઠાકરે ભાઈઓની સંયુક્ત રેલીને ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ નિશાન બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ બંને ભાઈઓની આ રેલીને જીહાદી અને હિન્દુ વિરોધી ગણાવી છે, જે સમાજને વિભાજીત કરે છે અને રાજ્યને નબળું પાડે છે.
શુક્રવારે મીડિયા સાથે વાત કરતા, મહારાષ્ટ્રના મંત્રીએ ઠાકરે ભાઈયો પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, "આપણે હિન્દુ છીએ અને મરાઠી હોવાનો ગર્વ અનુભવીએ છીએ. જે રીતે જીહાદીઓ આપણા સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કરે છે... આ લોકો પણ એ જ કરી રહ્યા છે. તેમના પ્રયાસો પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા અથવા સિમીથી અલગ નથી. આ લોકો રાજ્યને નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે."
નળ બજારમાં મીઠાઈઓનું વિતરણ કરવામાં આવશે - નિતેશ રાણે
ઠાકરે બંધુઓ પર રાજ્યને નબળું પાડવાનો આરોપ લગાવતા, ભાજપ નેતાએ કહ્યું, "આ બંનેની સભા અને રેલીનો હેતુ હિન્દુઓ અને મરાઠી લોકોને વિભાજીત કરવાનો છે. આપણે તેની તુલના PFI અને SIMI જેવા સંગઠનોની રેલીઓ સાથે કરી શકીએ છીએ. આ રેલી પછી, હિન્દુઓને સૌથી વધુ નુકસાન થશે. આ પછી, નળ બજારમાં (મુસ્લિમ બહુલ વિસ્તાર) મીઠાઈઓનું વિતરણ કરવામાં આવશે અને ફટાકડા ફોડવામાં આવશે."
એક તરફ, નિતેશ રાણેએ ઠાકરે ભાઈઓની આ રેલીને હિન્દુ વિરોધી ગણાવી, જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મંત્રી સુધીર મુનગંટીવારે સમાધાનનો સંકેત આપ્યો. તેમણે કહ્યું, "જો રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એકસાથે આવી રહ્યા છે, તો તે સારી વાત છે. તેમને અમારી શુભકામનાઓ. બંને ભાઈઓએ એક રહેવું જોઈએ. તેમણે કહ્યું, "જો જરૂરી હોય તો, બંને પક્ષોએ વિલીનીકરણ પર પણ વિચાર કરવો જોઈએ." ત્રણ ભાષા નીતિના વિવાદ પર, જે હવે રદ કરવામાં આવી છે, મુનગંટીવારે કહ્યું કે આ મુદ્દાનું રાજકારણ કરવામાં આવ્યું નથી. મને હજી પણ સમજાતું નથી કે આ અંગે ગેરસમજ કેમ ફેલાવવામાં આવી રહી છે.
આ પહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બે દાયકા પછી સાથે આવ્યા હતા. બંનેએ સાથે મળીને ફડણવીસ સરકાર પર રાજ્યની શાળાઓમાં હિન્દુ ધર્મ લાદવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે, તેમણે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય પાછો ખેંચવાની ઉજવણી પણ કરી હતી. રાજ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે જે કામ બાલ સાહેબ ઠાકરે ન કરી શક્યા તે ફડણવીસે કર્યું હતું. તેમણે બંને ભાઈઓને સાથે લાવ્યા છે.