હાઉસિંગ સોસાયટીની દુકાનોમાં સોસાયટીના NOC વિના બિયર કે વાઇન શૉપ શરૂ નહીં કરી શકાય

12 March, 2025 07:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે વિધાનસભામાં કરી મહત્ત્વની જાહેરાત : જો ૭૫ ટકાથી વધુ મેમ્બરોનો મત વિરોધમાં પડશે તો બિયર કે વાઇન શૉપ બંધ કરી દેવામાં આવશે એમ પણ અજિત પવારે કહ્યું

અજિત પવાર

મહારાષ્ટ્રમાં બિયર કે ‌વાઇન શૉપ શરૂ કરવા બાબતે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ગઈ કાલે વિધાનસભામાં ચાલી રહેલા બજેટસત્રમાં મહત્ત્વની જાહેરાત કરી હતી. અજિત પવારે કહ્યું હતું કે ‘હાઉસિંગ સોસાયટીના કમર્શિયલ ગાળામાં નવી બિયર કે વાઇન શૉપ શરૂ કરવા માટે હવેથી સોસાયટીનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ફરજિયાત કરવામાં આવ્યું છે. રાજ્યની કોઈ પણ મહાનગરપાલિકાના કોઈ વૉર્ડમાં બિયર કે વાઇન શૉપને લીધે લોકોને પરેશાની થતી હોય એવી સ્થિતિમાં ૭૫ ટકાથી વધુ લોકો શૉપના વિરોધમાં મત આપશે તો શૉપ બંધ કરી દેવામાં આવશે.’

રાજ્યની હાઉસિંગ સોસાયટીમાં બિયર અને વાઇન શૉપની પરવાનગી આપવામાં આવતી હોવાથી એને કારણે કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થઈ રહ્યો હોવાના મુદ્દો વિધાનસભ્ય મહેશ લાંડગે અને વિધાનસભ્ય ઍડ. રાહુલ કુળે ગઈ કાલે વિધાનસભામાં માંડ્યો હતો. રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન સુધીર મુનગંટીવારે પણ આ મામલે કેટલાક મુદ્દા ઉપસ્થિત કર્યા હતા. એના જવાબમાં અજિત પવારે કહ્યું હતું કે ‘સરકારની ભૂમિકા રાજ્યમાં દારૂનું વેચાણ વધારવાની નહીં પણ દારૂબંધીના નિયમોની યોગ્ય રીતે અમલબજાવણી કરવાની છે. અનેક વર્ષોથી રાજ્યમાં દારૂના વેચાણ માટેનાં લાઇસન્સ બંધ છે. સ્કૂલ અને કૉલેજના પરિસરમાં બિયર કે વાઇન શૉપને પરવાનગી નથી આપવામાં આવતી. સ્થાનિક રહેવાસીઓનો વિરોધ હોય તો મતદાન દ્વારા શૉપ બંધ કરવાનો કાયદો પહેલેથી જ છે. દારૂના વેચાણને પ્રોત્સાહન આપવાને બદલે સરકાર ગેરકાયદે દારૂના વેચાણને રોકવા માટેની યોજના કરશે. દારૂના વેચાણથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ થાય એવા કોઈ પણ મામલાને ચલાવી નહીં લેવામાં આવે. જનપ્રતિનિધિ અને લોકોના દરેક સૂચન પર સકારાત્મક વિચાર કરવામાં આવશે.’

ajit pawar maharashtra news maharashtra news mumbai mumbai news