બીએમસી વધુ અલર્ટ

25 September, 2021 09:07 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

થોભો અને રાહ જુઓની પૉલિસી પડતી મૂકીને હવે હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ્સની પાંચમા દિવસને બદલે પહેલા કે બીજા દિવસે જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે

દાદર સ્ટેશન પર બહારગામથી આવેલા પ્રવાસીની કોરોના ટેસ્ટ (તસવીર : આશિષ રાજે)

ગણેશોત્સવ માટે પોતાના ગામ ગયેલા લોકો પાછા આવ્યા બાદ ત્રીજી લહેરને નોતરું ન આપે એ માટે સુધરાઈએ પોતાની ટેસ્ટિંગની પૉલિસીમાં બદલાવ કર્યો છે. બીએમસી પહેલાં કોવિડ પેશન્ટના હાઈ રિસ્ક કૉન્ટૅક્ટની કોરોના ટેસ્ટ પાંચ દિવસ પછી કરતી હતી, પરંતુ એમાં બદલાવ કરીને હવે હાઈ રિસ્ક કૉન્ટૅક્ટની ટેસ્ટ પહેલા કે બીજા દિવસે જ કરવાની શરૂઆત કરવાની છે, જેથી કોરોના સંક્રમણ અન્ય લોકો સુધી પહોંચે નહીં અને એને ત્યાં જ રોકી દેવામાં આવે.

ચેન્જ ઑફ પ્લાન વિશે માહિતી આપતાં બીએમસીના ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમુક મહિનાઓ પહેલાં સપ્ટેમ્બરના અંત સુધી કોરોનાની ત્રીજી લહેર આવશે એવાં અનુમાન કરાયાં હોવાથી કોરોનાના કેસમાં વધારો થવાની પણ શક્યતા હતી, પરંતુ હાલમાં પરિસ્થિતિ સારી છે અને પૉઝિટિવિટી રેટ ૧.૨૫ ટકા છે. એમ છતાં બીએમસીની તમામ પ્રકારની તૈયારીઓ તો છે જ. એ અનુસાર કોરોના સંક્રમણનું પ્રમાણ હજી પણ ઓછું કરવા માટે અમે પૉલિસીમાં બદલાવ કર્યો છે. એ પ્રમાણે કોઈ કોરોના પૉઝિટિવ પેશન્ટ આવ્યો હોય તો તેના સંપર્કમાં આવેલા હાઈ રિસ્ક કૉન્ટૅક્ટની કોરોના ટેસ્ટ અમે પાંચમા દિવસે કરતા હતા, પરંતુ એ દરમિયાન સંક્રમણમાં વધારો થાય નહીં એટલે તેમની ટેસ્ટ પહેલા કે બીજા દિવસે જ કરી લેવામાં આવશે. એની પણ ઘણી પૉઝિટિવ અસર જોવા મળશે.’

ગામમાં જઈને આવેલા લોકોને ઘરે-ઘરે જઈને ટેસ્ટ કરવા લઈ જવાય છે એમ જણાવતાં સુરેશ કાકાણીએ કહ્યું હતું કે ‘દરેક વૉર્ડથી પાંચથી સાત હજાર લોકો ગણપતિ અને અન્ય કામસર મુંબઈની બહાર ગયા હતા. અમુક મજૂરો મૉન્સૂન હોવાથી ગામમાં ગયા હતા તેઓ પણ પાછા આવી રહ્યા છે. બીએમસીનાં ૨૬૬ સેન્ટરો છે. એમાં હાલમાં તેમની ટેસ્ટ કરાઈ રહી છે. જે એરિયામાંથી લોકો વધુ ગયા હશે ત્યાં કૅમ્પ લગાડવામાં આવશે. અમારા કમ્યુનિટી હેલ્થ વૉલન્ટિયર્સે હાઉસ ટુ હાઉસ જઈને ગામમાં ગયેલા લોકોનો ડેટા તૈયાર કર્યો છે. આ ડેટા પ્રમાણે અમે તેમના ઘરે જઈ રહ્યા છીએ અને તેમને સેન્ટરમાં ટેસ્ટિંગ માટે લાવવામાં આવી રહ્યા છે, જેથી ગામમાં જઈને આવેલો કોઈ પૉઝિટિવ પેશન્ટ મુંબઈ આવ્યો હોય તો તરત જ તેની ટેસ્ટિંગ થશે અને સારવાર શરૂ કરી શકાશે. મુંબઈમાં હાલમાં બિલ્ડિંગો કરતાં બિલ્ડિંગના ફ્લોર વધુ સીલ કરાયા છે.’

coronavirus covid19 mumbai mumbai news brihanmumbai municipal corporation preeti khuman-thakur